પૃષ્ઠ:Pankaj.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કીર્તિ કેરા કોટડા : ૧૨૭
 

આગળ આવી શકતા ગૃહસ્થો સાથે ટૂંકી ટૂંકી વાતચીત કરી. જેની જેની સાથે તેણે વાત કરી તેના તેના મુખ ઉપર પોતાના ભાગ્યશાળીપણાનું ભાન અંકિત થયેલું દેખાતું હતું.

ગાર્ડે સીટી વગાડી. યુવક ડબ્બાની અંદર ગયો અને બારી પાસે બે હાથ જોડી ઊભો રહ્યો.

'સેકન્ડ કલાસની ટિકિટ શું કરવા કઢાવી?' યુવકે જરા અણગમો બતાવી પાસે ઊભેલા એક બીજા ખાદીધારીને પૂછ્યું.

'તમે આટલો ભોગ આપ્યો છે, આટલું કષ્ટ વેઠ્યું છે, અને અને તમને પાંચ કલાક આરામ પણ ન આપી શકીએ ?' પેલા ખાદીધારીએ કહ્યું.

'હું એકલો કાંઈ કષ્ટ વેઠું છું ? જેટલા પ્રમાણમાં આપણે કષ્ટ વેઠીશું એટલા પ્રમાણમાં આપણી પ્રગતિ થવાની છે.' યુવકે કહ્યું અને ગાડી ચાલી. ટોળાંમાંથી ફરી જયકાર ગાજી ઊઠ્યો :

'વંદે માતરમ્ ! હિંદ મૈયાની જય ! મહાત્મા ગાંધીની જય ! જયંતકુમારની જય !'

ગાડી આગળ વધી. સ્ટેશનનું પ્લેટફોર્મ પૂરું થયું ત્યાં સુધી તેની નમસ્કાર પરંપરા ચાલુ રહી. પ્લેટર્ફોર્મ પૂરું થયું. યુવકે ડોકું બારી અંદર લીધું. છતાં તેને લાગ્યું કે સિગ્નલ આગળ થોડાં માણસો ઊભાં છે. ટેવને લીધે તેનાથી એ ટોળાંને નમસ્કાર થઈ ગયા - જો કે એ ટોળું રેલવેના મજૂરોનું હોવાથી યુવકના નમસ્કારને તે ટોળાંએ જોયા નહિ.

યુવક પ્રસન્નતાપૂર્વક બારી પાસે બેસી ગયો તેના ડબ્બામાં જુદી બેઠક ઉપર તેના સિવાય બીજા બે પુરુષો બેઠેલા તેણે જોયા. એક સાદો, સહેજ દૂબળો બીજા વર્ગને બહુ શોભે નહિ એવો પરંતુ ચમકતી આંખવાળો ચાળીસેક વર્ષનો પુરુષ હતો; બીજા સુખી ગૃહસ્થ લાગતા હતા. તેમનું શરીર ઊજળું અને પુષ્ટ હતું. સૅકન્ડ ક્લાસમાં લાંબા સમયથી બેસવાની તેમને ટેવ હોય એમ તેમની બેસવાની ઢબ