પૃષ્ઠ:Pankaj.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૮ : પંકજ
 

ઉપરથી લાગતું હતું. બન્ને ગૃહસ્થ છાપું વાંચતા હતા અને થોડી થોડી વારે પેલા નવા આવેલા યુવક તરફ જોતા હતા.

યુવક સંતુષ્ટ તો હતો. તેમાં આ સેકન્ડ કલાસમાંના મુસાફરો પણ તેની સામે નિહાળી તેના મહત્વને સ્વીકારતા હતા એથી તેનો સંતોષ વધી ગયો. તેના મુખ ઉપરનું ગાંભીર્ય, ગૌરવ અને કૃપાભર્યું સ્મિત કાયમ રહ્યું હતું. તેને બીજા કોઈ સામે જોવાની પરવા ન હતી. માત્ર તેઓ તેના સામું વખત બેવખત જુએ છે કે નહિ એટલું નક્કી કરવા ખાતર જ તે પોતાની આંખ ફેરવતો હતો. તેણે ઝોળીમાંથી એક પુસ્તક કાઢ્યું. પુસ્તક મોટું અને સુંદર હતું. સાદા દુબળા મુસાફરે પુસ્તક તરફ નજર નાખી જોઈ લીધું કે એ પુસ્તક 'બોલ્શેવીઝમ' ઉપરનું હતું.

બીજું સ્ટેશન આવ્યું. ગાડી ઊભી રહી. આકર્ષક પોષાકવાળા એક છોકરાએ રોફબંધ ચાનો સરંજામ લાવી રૂઆબદાર ગૃહસ્થ પાસે મૂકી દીધો.

'કેમ ભાઈ, તમે ચા પીશો? ગૃહસ્થે યુવકને પૂછ્યું.

'ટેવ તો જતી રહી છે, પણ હા, આપકહો છો એટલે પીશ.'

'બીજો સેટ લાવ.' છોકરાને ગૃહસ્થે હુકમ આપ્યો.

છોકરો ઝડપથી ચાનો બીજો સામાન લઈ આવ્યો. યુવકને તેમણે પાસે બેલાવ્યો. દુર્બળ ગૃહસ્થ પણ પાસે આવ્યા.

'લાવો જી. હું તૈયાર કરૂં.' યુવકે વિવેક કર્યો.

'ઉપકાર ! તમે ચાની ટેવ કેમ મૂકી દીધી ?'

'કૉલેજમાં તો પીતો, પરતુ કૉલેજ છોડી અને મારે કેદમાં જવું પડ્યું.' યુવકે જવાબ આપ્યો.

'કેમ કેદમાં જવું પડ્યું ?'

'અસહકારમાં જોડાયો. ગાંધીજીની હાકલનો જવાબ દરેક યુવકે આપવો જોઈએ.' યુવકે કહ્યું.

બન્ને ગૃહસ્થોએ પરસ્પર સામું જોયું. એકે યુવકને પૂછ્યું :