પૃષ્ઠ:Pankaj.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કીર્તિ કેરા કોટડા : ૧૩૫
 

તેમને ફૂલહાર થતા નથી. તેમને માટે કોઈ મિજબાનીઓ ગોઠવતું નથી. તેમણે કરેલાં ઈતિહાસપ્રસિદ્ધ કાર્યો વિષે આખું જગત અજાણ બની ગયું છે. હવે બધું નવા પ્રધાન માટે વપરાય છે એટલું જ નહિ, કોઈ સભા કે મિજબાનીમાં પ્રમુખ કે સભ્ય તરીકે દ્વિતીય મહત્વનું સ્થાન મળતાં તેમને પોતાને નવા પ્રધાન માટે અતિશયોક્તિ ભર્યા વિશેષણ વાપરવાં પડે છે.

ત્યારે ખરું શું? વખાણના શબ્દો તાત્કાલિક ફૂટી ઊઠતા દારૂખાના સરખા જ હશે ? તેમનાં કાર્યો એ જળતરંગ જેટલાંજ સ્થિરહેશે? કહેવાતો ઈતિહાસ સાન્ધ્ય—રંગો જેટલો જ અલ્પજીવી હશે?

મહાવીર અને જયંત વચ્ચેનો વાર્તાલાપ ચાલુ જ હતો તેની રાવબહાદુર વિહારીલાલને દિવાસ્વપ્નમાં ખબર રહી નહોતી. પરંતુ મહાવીરનું એક વાક્ય તેમના કાન ઉપર અથડાયું અને વિહારીલાલનું દિવાસ્વપ્ન અદ્રશ્ય થઈ ગયું. તેઓ ચમકી ગયા. મહાવીરનો ઉચ્ચાર તેમણે સાંભળ્યો :

'પેલા પોલીસ અમલદાર ખોળતો હતા તે મને, તમને નહિ.'

'શા ઉપરથી કહો છો?’ જયંતે પૂછ્યું.

જે પત્રમાં તમારા છુટકારાનાં ઊજળાં વર્ણન છે તે પત્રના અગ્ર ભાગમાં મને પણ નાનું સરખું સ્થાન મળ્યું છે.' મહાવીરે કહ્યું. જયંતને પોતાના છુટકારાનાં વર્ણનમાંથી બીજે નજર નાખવાની ફુરસદ મળી હોપણ એક જૂનાપુરાણા રાજકીય કેદીના અદ્રશ્ય થયાની વાતમાં તેને સંભારી રાખવા જેવું મહત્વ લાગત નહિ. તેણે પત્ર ઉપર દષ્ટિ ફેરવી અને નહિ જેવા કુતૂહલથી પૂછ્યું :

'કેદમાંથી નાસી ગયેલા રાજદ્વારી કેદી તે તમે ? '

'હા. તમને જ્યારે પૂરું બોલતાં કે ચાલતાં પણ નહોતું આવડતું ત્યારે મારા ઉપર ચાલતા મુકદ્દમાની હકીકત હજારો માણસો રસપૂર્વક વાંચતાં હતાં !'

'તેથી શું ?'