પૃષ્ઠ:Pankaj.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૮ : પંકજ
 


'અસહકારીઓને એ સગવડ મળે. અમને નહિ. વળી ત્યાં કે અહીં મારો જામીન કાણ થાય ?'

'પાછા પકડાઈ ગયા હોત તો?'

'હજી યે કોણે જાણ્યું કે પુત્રીનું મુખ જોતાં પહેલાં હું નહિ પકડાઉં ? એમ થશે ત્યારે ગીતાવાક્ય યાદ કરીશઃ मा फलेषु कदाचन.'

સૌમ્ય અસહકારી અને કરાલ ક્રાન્તિવાદી બન્ને ગીતા ઉપર ઝૂઝે છે એ વિચારે ગીતાના અમર પ્રેરણઝરણ પ્રત્યે વિહારીલાલ પાસે મૂક નમન કરાવ્યું.

પંદર વર્ષને દેશવટો ! વહાલાંનો વિયોગ અને અદીઠ મૃત્યુ ! પરાશ્રયે ઊછરતું એક સંતાન ! તેને નજરે જોવાની ખુલ્લી તક પણ નહિ. જયંતને મહાવીર પ્રત્યે માન ઉત્પન્ન થયું. તે હિંસાવાદી હતો એ દિલગીરીભરી ઘટના ! પરંતુ તેનો ત્યાગ ? છ માસ કેદ ભોગવી આવેલા જયંતમાં એ ત્યાગને અંશ પણ હતો ખરો ? જયંતના હૃદયે ના પાડી.

પ્રધાનપદ ગયા પછી માનસંગ અવસ્થા ભોગવતા રાવબહાદુર વિહારીલાલનું હૃદય પણ પ્રશ્ન હિંડોળે ચડ્યું. એ ક્રાંતિઘેલો પુરુષ અકર્મ–વિકર્મમાં ગૂંચવાઈ ગયો ! એ એની કમનસીબી ! પરંતુ એવી જ ભીષણ ત્યાગભાવનાથી તે સહકારી બન્યો હોત તો ? તે એક મોટો ગોખલે ન થઈ શકત? પ્રાન્ત પ્રાન્તના પ્રધાનોનાં કોડીબંધ નામે સાંભરતાં યે નથી? છતાં આર્થિક ગરીબી ભોગવતા દાદાભાઈ યાદ રહ્યા છે. મહાવીર શું બીજો દાદાભાઈ ન થયો હોત?

'આપની પુત્રીની ઉમ્મર કેટલી ?' જયંતે પૂછ્યું.

'સત્તર થયાં હશે.'

એ પરણી ન હોય તો કેવું ? જ્યંતના હૃદયમાં ખ્યાલ આવ્યો.

પરંતુ યુવતીઓની મીઠી નજર ખોળતા ખાદીધારી કામદેવો પ્રત્યે જયંતને એકાએક અણગમો થઈ આવ્યો. તેણે એ વિચારને રોક્યો, તેને લાગ્યું કે હજી અસહકારમાં સંયમની વધારે જરૂર છે.