પૃષ્ઠ:Pankaj.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખરી મા : ૭
 

કરી બાળકને નિરુત્તર બનાવી તેની પાસે પોતાનું કહ્યું કરાવતી. આટલી લાંબી વાત ક્વચિત જ થતી; પરંતુ થતી ત્યારે બાળકને શાસ્ત્રીય રીતે સમજાવ્યાનો તેને સંતોષ થતો. જો કે બાળકનો મત એ વિષે જુદો જ હતો.

'મરી જવાય તો શું ખોટું?' શાન્ત બની કૉડલીવર પી જતાં બાળકના હૃદયમાં પ્રશ્ન થયો.

'મા મરી ગઈ છે એમ કોઈ કહેતું હતું.' તેને પોતાની માતા સંબંધી ઝાંખી ભુલાઈ જવા આવેલી વાત યાદ આવી.

'હું પણ મરી જાઉં તો માને મળાય, નહિ? ' તેના મને તર્ક કર્યો. એ તર્ક તેને પ્રમાણરૂપ લાગ્યો.

કૉડલીવર અને કાળજી છતાં કુસુમાયુધ ખરેખર માંદો પડ્યો.

'ભાઈ ! તમને શું થાય છે?' નિત્યનિયમ પ્રમાણે નાહીને જમવા આવતા બાળકને માતાએ પૂછ્યું.

'કાંઈ નહિ, બહેન !' કુસુમાયુધે જવાબ આપ્યો.

'અરે, પણ તમારી આંખો તો લાલ થઈ ગઈ છે !'

'મને ખબર નથી.'

'અને આ શરીર ઉપર રૂવાં ઊભાં થઈ ગયાં છે.'

'જરા ટાઢ વાય છે.'

‘ત્યારે તમે નહાયા શું કરવા?’

'નહાયા સિવાય જમાય નહિ, અને જમ્યા સિવાય તો નિશાળે કેવી રીતે જવાય ?' કુસુમાયુધે પોતાના જીવનને ઘડતા એક ગૃહનિયમનું પ્રમાણ ટાંક્યું. એમ કરતાં બાળક વધારે કંપી ઊઠ્યો. માતાએ જોયું કે કુસુમાયુધના દાંત કકડી ઉઠતા હતા. તેણે બૂમ પાડી : 'અરે બાઈ ! જો ને, ભાઈને તાવ તો નથી આવ્યો?'

નોકરબાઈએ આવી બાળકના શરીરને હાથ અડાડ્યો અને કહ્યું: