પૃષ્ઠ:Pankaj.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪ર : પંકજ
 

સ્મિતમાંથી વહેતી તેજધારાઓ ગામડાંના આખા રૂપને ફેરવી નાખતી હતી. ચંદ્ર જુદી સૃષ્ટિ જ રચતો ન હોય જાણે !

'હો...હો..હો' મોટો અવાજ આવ્યો અને ડાકલું વધારે ડમક્યું. આ કર્કશ અવાજ શો ?

'અરે જમાદાર, આ કોણ બૂમો પાડે છે?' મેં કંટાળીને મારાથી દૂર બેઠેલા મારા જમાદારને પૂછ્યું.

'સાહેબ, એ તો ભૂવો ધૂણે છે.' જમાદારે કહ્યું.

'આ ગામડાનું અજ્ઞાન ક્યારે ટળશે ? ' મારાથી બોલાઈ ગયું.

'એ તો હમણાં બંધ થઈ જશે. ભૂત બોલ્યું હોય એમ ડાકલા ઉપરથી લાગે છે.' જમાદારે કહ્યું.

'અરે શું જમાદાર, તમે પણ વાત કરો છો ? '

'જાનની કસમ, સાહેબ, જીન તો મેં પણ જોયો છે.'

‘તમે જ જીન જેવા છો ને ! આ તમારું ડાકલું તો કાંઈ બંધ રહેતું નથી. જરા ચાંદનીમાં ફરી આવું.' ચાંદની આકર્ષક બનતી જતી હતી. તેનું ખેંચાણ પણ અજબ હોય છે. તેમાં પાસેની ઝૂંપડીમાંથી ભયંકર હોકારા અને ડાકલાના ડમકારા વધ્યે જતા હતા. તેનાથી છૂટવાની પણ મને ઈચ્છા થઈ.

'ચાલો, સાહેબ. જમાદારે સાથે આવવાની તૈયારી કરી. પરંતુ દરવખતે પહેરો લઈ લઈ ફરવું મને જરા પણ ગમતું ન હતું. તેમાં ચંદ્રસ્નાન તો એકલાથી જ થાય. હા, પ્રિયતમાનો સાથ હોય તો ચંદ્રસ્નાનમાં મઝા જુદી જ આવે, અને રસભર છબછબાટ પણ થઈ શકે. કોઈ મિત્ર હોય – સ્ત્રીમિત્ર હોય તો ખુશીથી ચલાવી લેવાય. પરંતુ જમાદારનો સાથ તો હરગીઝ નહિ.

મેં જમાદારને સાથે આવવાની ના પાડી; પરંતુ તેણે આગ્રહ કર્યો :

'સાહેબ, એક કરતાં બે ભલા. હું ફાનસ લઈ લઉં.'

ચાંદનીમાં ફાનસ ? ચંદ્રનું અપમાન કરવા સરખી અરસિકતા મારામાં નથી. મેં ફાનસ અને જમાદાર બન્નેનો ઈનકાર કર્યો.