પૃષ્ઠ:Pankaj.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૪ : પંકજ
 

કદી દીઠું ન હતું. મને શંકા પડી કે ચંદ્રનો પ્રકાશ અને ઘૂમટો મારી કલ્પનાને બળ આપતાં હશે.

હું સામાન્યતઃ સારો માણસ છું. પરણેલો છું એટલે તે ઘટના મને સારો રહેવામાં સહાય કરે છે, અને અમલદાર છું એ સંજોગ મને રહીસહી નઠારા થવાની ઈચ્છા ફલિભૂત કરવામાં આડે આવે છે. તો ય મારાથી પુછાઈ ગયું :

'બાઈ, અત્યારે પાણી ભરવા જાઓ છો ?'

‘શું કરીએ ? વહુવારુને કાંઈ છૂટકો છે?'

'પણ આ બાજુ કુવો ક્યાં છે?'

'છે ભાઈ, છે. અમારા ખેતરમાં.'

'ગામના કૂવામાં પાણી સારાં નથી?' હું અમલદાર હતો. લોકસ્થિતિ જાણવાનો મને અધિકાર હતો. સ્ત્રીઓને–ખાસ કરી આવી દેખાવડી સ્ત્રીને-હરકત પડતી હોય તો ગામમાં નવો કુવો ખોદાવવા, અગર જૂના કૂવામાં શાયડો મુકાવી પાણી મીઠું બનાવી આપવાનો મને અધિકાર હતો એટલે મેં પૂછ્યું.

'સારાં તો બહુ યે છે, પણ મારાં સાસુને ફાવતાં નથી.’

'ખેતરના કૂવાનાં પાણી કેવાં છે?' આટલી બધી લાંબી વાત એકાંતમાં અજાણી સ્ત્રી સાથે કરવાની મારે જરૂર હતી કે કેમ એ પ્રશ્ન કોઈ નહિ જ કરે. જેવું તેનું મુખ આંખને ગમે એવું હતું તેવો જ તેનો કંઠ કાનને સાંભળવો ગમે એવો હતો.

'માંહ્ય પડવા જેવાં !' સહજ છણકાઈને પેલી સ્ત્રીએ કહ્યું, અને મુખ ફેરવી બાજુએ ઊભી રહી.

પરાઈ સ્ત્રી છણકો કરે તો ય તેની જોડે વાત કરવા મથું એવો હું મૂર્ખ નથી. સારાં મુખ તરફ સર્વત્ર સદ્ભાવ રહેલું હોય છે. એ સદ્ભાવ ઉપરાંત બીજો મને સ્વાર્થ નહોતો. અને કોઈ સ્ત્રી વગર કારણે બૂમાબૂમ કરી મારી અમલદ્દારીને લાંછન લગાડવા પ્રવૃત્ત થાય એટલે સુધી જવાની હલકાઈ મારામાં ન હતી. સ્ત્રીને ત્યાં જ