પૃષ્ઠ:Pankaj.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચંદા : ૧૪૭
 

પોતાનું મુખ ખુલ્લું કરતી હતી; અને તે મારી સાથે જ છે કે કેમ તે જોવા હું પાછળ જોતો ત્યારે તે ક્વચિત્ સ્મિત કરતી અને ક્વચિત્ પોતાનાં આંસુ લોહતી. કદાચ મુખ ઉપરની ભીનાશ તે ભીના કપડાં વડે દૂર કરવા પણ પ્રયત્ન કરતી હોય.

મારાથી બોલ્યા વગર રહેવાયું નહિ. જરા દૂર જઈ મેં પૂછ્યું:

'બાઈ, તમારું નામ?'

'મારુ નામ ચંદા.'

'કેટલું સુયોગ્ય નામ ! નામ પ્રમાણે ગુણ ન હોય એ તો ઠીક, પરંતુ નામ પ્રમાણે રૂપ પણ જગતમાં મળવું દુર્લભ છે.'

'ઉપર આકાશમાં ચંદ્ર અને પૃથ્વી ઉપર તમે ચંદા. બન્ને બહું મળતાં આવો છો.' આવું કહી તેના રૂપને વખાણવાનું મને બહુ જ મન થયું. પરંતુ પરપુરુષને મુખે થતાં રૂપનાં વખાણમાંથી હિંદી સ્ત્રીઓને શંકા ઊપજે છે. વિલાયતમાં જનમ્યા વગર એ લહાવો લઈ – લેવરાવી શકાતો નથી. એટલે મેં પૂછ્યું :

'ચંદાબાઈ, તમારું ઘર ક્યાં?'

'ગામમાં.'

'પણ ગામમાં કઈ જગાએ?'

'ચૉરા સામે.’

કૂતરાં ભસતાં હતાં. ચોરાનો દીવો ઝગઝગતો દેખાતો.

'જુઓ, હવે ગામ તો આવી ગયું.' મેં કહ્યું.

'હા, સાહેબ.'

'ચંદાબાઈ ! તમારા વરનું નામ શું ?'

'છે તો બહુ રૂપાળું. પણ નામ તે કાંઈ દેવાય?' મીઠું મીઠું હસીને તેણે ના પાડી.

'ત્યારે તેમને બોલાવી કેમ શકીશ?'

'સાહેબ, હું અહીં બેઠી છું, તમે પેલી ઝૂંપડીમાં જઈને કહો કે ચંદા આવી છે.'