પૃષ્ઠ:Pankaj.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચંદા : ૧૪૯
 


'ગુનો? બિચારી તમારી સ્ત્રીને કાઢી મૂકતાં તમને શરમ નથી આવતી?'

'મારી સ્ત્રી ? મેં ક્યાં કાઢી મૂકી છે?'

'રાતને વખતે એક ગાઉ દૂર પાણી ભરવા મોકલો છો એ કેવું કહેવાય?'

ગામડિયાના ખાલી મુખ ઉપર મૂંઝવણ ઊભરાઈ. તેણે જરા વાર મારી સામે ટીકી ટીકીને જોયું, અને પછી પૂછ્યું :

'મારી સ્ત્રી શા ઉપરથી ?'

'એણે મને આ જ ઝૂંપડી બતાવી.'

'બીજું કોઈ હશે.'

'તમારી સ્ત્રીનું નામ ચંદા કે બીજું કાંઈ?' મેં ખાતરી કરાવી.

'ઓ બાપ રે!' કરીને વૃદ્ધ સ્ત્રી અંદરથી બહાર ધસી આવી.

'હા સાહેબ. પણ એને મરી ગયે તો એક વર્ષ થયું.'

'ખોટી વાત. હું હમણાં મારી સાથે એને લાવ્યો છું. પેલા ઝાડ નીચે બેઠી.' મેં ચાંદનીમાં પડછાયો પાડતા એક વૃદ્ધ તરફ આંગળી કરી. મારી ખાતરી જ હતી એટલે ચંદા સરખો આકાર તે વૃક્ષની છાયામાં બેઠેલા મને દેખાયો.

'એ તો ભૂત ! ભૂત ! મોઈ મરીને પણ અમારો કેડો છોડતી નથી.' પેલી વૃદ્ધ સ્ત્રી ફાટી ગયેલે અવાજે બોલી ઊઠી.

'ભૂત હોય તોયે મને બતાવો; સાહેબ. ચંદા, ઓ ચંદા !' કહી પેલો પુરુષ ઘેલાની માફક બૂમ પાડવા લાગ્યો. તેણે એક ક્ષણ રહીને મારો હાથ પકડી ખેંચ્યો, અને તે મને પૂછવા લાગ્યો :

'સાહેબ, ક્યાં છે મારી ચંદા? તમે ક્યાં જોઈ?'

'પેલી રહી ઝાડ નીચે.ચાલ બતાવું.' કહી હું ઝડપથી તેને ઝાડ તરફ લઈ ગયો. જતાં જતાં પેલી વૃધ્ધ સ્ત્રીના ઉદ્ગાર સાંભળી મને આશ્ચર્ય થયું :