પૃષ્ઠ:Pankaj.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઘેલછા


અસામાન્ય બનાવ બને એટલે તે સાર્વજનિક બની જાય છે. વીણાએ સામાન્ય રીતે — જગતમાં સાધારણ બને છે એવી રીતે– લગ્ન કર્યું હોત તો તેથી સમાજને હાલી ઊઠવાનું કારણ ન મળત. જોકે વીણા સરખી ભણેલી, સંસ્કારી અને પોતાને બંડખોર કહેવરાવતી તથા પુરુષવર્ગની નિર્દયતા માટે આખા વર્ગને કઠોર વાક્યો સંભળાવતી એ જાજ્વલ્યમાન યુવતી લગ્ન કરે એ જ બનાવ સહુને ચોંકાવે એવો હતો. એટલે વીણાએ લગ્ન કર્યું, અને તે લગ્ન કેદમાંથી તાજા છુટેલા ગુનેગારની જોડે કર્યું એ પ્રસંગ અત્યંત નવાઈનો, ચર્ચાસ્પદ અને સમાજને વ્યાકુળ બનાવી દે એવો હતો. ઘર ઘરમાં, શેરીએ શેરીએ, ચૌટે ચકલે, કચેરીઓમાં અને સમાજમાં વીણાનું લગ્ન મુખ્ય ચર્ચાનો વિષય થઈ પડયું હતું. વર્તમાનપત્રો એટલે નવા યુગનો ચોતરો. ભણેલાઓનું નિંદાખાનું. કુટુંબમાં ક્લેશ કંકાસ દાખલ કરનાર. જૂના સમયમાં ચુગલીખોર સ્ત્રીપુરુષોની અતિશય સુધરેલી અને અનેક ગણી વધારી દીધેલી આવૃત્તિ. વર્તમાનપત્રો આવાં લગ્નની ચર્ચા ન કરે તો તેમને જીવવાનો હક્ક નથી.