પૃષ્ઠ:Pankaj.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઘેલછા : ૧૬૧
 

હાથમાં લાલ પ્રવાહી પદર્થથી ભરેલો એક મેઝરગ્લાસ–પ્યાલો હતો. એ પ્યાલો વીણાના હોઠે અડકતો હતો એટલામાં જ પીયૂષે વીજળીની ઝડપે એ હાથ ઝાલી લીધો.

'શું કરે છે તું, વીણા ?' પીયૂષે મોટેથી પૂછ્યું.

'તારે શું કામ છે? તું અહીંથી ચાલ્યો જા. જે કામને માટે મોકલ્યો તે કરીને આવ.' વીણાએ આજ્ઞા કરી. તેના મુખ ઉપર વધારે સફેદી ફેલાતી હતી.

'તું પહેલાં આ પ્યાલો મૂકી દે.'

'નહિ મૂકું. એ મારી દવા છે.'

'જુઠી ! હું ઊભો હોઈશ અને તને આયડિન પીવા દઈશ?'

'તું મારો માલિક છે કે નોકર?.'

'ગમે તે હોઈશ તો ય આ દવા તારે પીવાની નથી.'

'છોડ, હાથ છોડ, નહિતર હું બૂમ પાડીશ.'

પીયૂષે વીણાના હાથને સહજ મચકોડ આપી અને બળપૂર્વક પ્યાલો ઢોળી નાખ્યો. પ્યાલામાં ભરેલું આયોડિન સ્વચ્છ મેજ ઉપર, સુંદર પાથરણાં ઉપર, પુસ્તકો ઉપર અને કેટલીક મોંઘી વસ્તુઓ ઉપર છંટાયું. વીણા અતિ રસિક હતી, વ્યવસ્થિત હતી, ગોઠવણની કળામાં પ્રવીણ હતી અને કલામયતા ઘટે એવું કશું જ થવા દેતી ન હતી. આયોડિને બગાડેલી વસ્તુઓ તરફ તેણે દુ:ખભરી દષ્ટિ ફેરવી. એક ક્ષણમાં જ આ બધું બની ગયું. પીયૂષે કહ્યું.

'હવે ભલે બૂમ પાડ.'

પરંતુ તે બૂમ પાડે તે પહેલાં તો વીણાના પિતા અને પોલીસના માણસોથી વીણાની ઓરડી ઉભરાઈ ગઈ.

'ચાલો, જુઓ, ફાવે તે તપાસ કરો. મારી આબરૂ ઉપર હુમલો થાય છે તેનો હું જવાબ લઈ શકીશ.' વીણાના પિતાએ કહ્યું. તેમને ક્રોધ માતો નહતો.

'ફોજદાર સાહેબ, વીણાના હાથમાં શું છે એ જ જુઓ અને