પૃષ્ઠ:Pankaj.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૨ : પંકજ
 

પછી હું મારા મિત્રની આબરૂ લઉં છું કે કેમ તે આપને સમજાશે.' પોલીસના માણસોની વચ્ચે ઊભેલા એક ગૃહસ્થે કહ્યું. વીણાના દેહ માંથી પ્રાણ નીકળી જતો હોય એવી તેને વેદના થઈ આવી. તેનું હૃદય બંધ પડશે જ એવી તેને ભીતિ લાગી. તેણે મેજ ઉપર હીરો મૂકી દીધો. સહુએ એ સુંદર જવાહીર જોયું. એ જવાહર ખોવાયાની અને તે વીણાએ ચોરી લીધાની ફરિયાદ ઉપરથી તત્કાળ પોલીસનાં માણસોને આવવું પડ્યું અને વીણાના પિતા સરખા સદ્ગુહસ્થને ત્યાં તપાસ કરવી પડી.

'કેમ સાહેબ, હવે શું કહો છો?' ફોજદારે પૂછ્યું.

'એમને કશું ન પૂછશો. જે પૂછવું હોય તે મને પૂછો.' પીયૂષ વચ્ચે બોલી ઊઠ્યો.

'તમે કોણ છો?' ફોજદારે પૂછ્યું.

'હું આ ઘરમાં સેક્રેટરી છું.'

'તે હશો. આ કામ સાથે તમારો સંબંધ નથી.'

'આ કામ સાથે મારે જ સંબંધ છે. બીજા કોઈને પૂછવાનો કોઈ અર્થ નથી.'

'કેમ?'

'કેમ? આ હીરા મેં ચોર્યો છે માટે.' પીયૂષે કહ્યું.

'શું ?' ફોજદાર તથા સિપાઈઓ અને બધાંએ ચમકીને પૂછ્યું.

'ફરી કહું છું કે આ હીરો મેં ચોર્યો છે.”

સ્તબ્ધ બની ગયેલી વીણા પીયૂષની સામે જ જોઈ રહી. વીણાના પિતાનું મુખ સહજ નમ્ર બન્યું.-કુમળું બન્યું. નવા આવેલા ગૃહસ્થ–જે હીરાના માલિક હતા તેમનું મુખ ઝાંખુ પડ્યું. તેમણે કહ્યું :

'મારે તો મારા હીરા પૂરતો સવાલ છે. કોણ ગુનેગાર છે તેની ચકચાર મારે કરવાની નથી.'