પૃષ્ઠ:Pankaj.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૪ : પંકજ
 

કરી અને શી રીતે ચોરી કરી તેની વિગત પૂરતી ન હતી. હઠીલો આરોપી તે સંબંધમાં કશી પણ સ્પષ્ટતા કરતો ન હતો, એટલે કેટલોક ભેદ વણઉકેલ્યો રહેતો હતો. હીરો મૂળ વીણાના પિતાની માલિકીનો હતો. વ્યાપારમાં ખોટ જવાથી વીણાના પિતાએ તે હીરો એક વર્ષ ઉપર ફરિયાદીને વેચ્યો હતો. ફરિયાદીને અને વીણાના પિતાને સારો સંબંધ હતા. હીરો ચોરાયો તે દિવસે ફરિયાદીની પત્નીએ સ્ત્રીઓની એક મિજલસ ભરી હતી અને તેમાં વીણાને બોલાવી હતી. ફરિયાદીની એક નાની છ વરસની દીકરીના કંઠમાં મોતીની એક સેર સાથે હીરો લટકાવેલો હતો. સ્વાભાવિક રીતે છોકરી એક સ્થળે બેસી રહેતી ન હતી, પરંતુ તેની સાચવણી માટે એક ભરોસાદાર બાઈ સાથે જ ફર્યા કરતી હતી.

વીણા સહુથી પહેલી ઊઠી. તે ગાડીમાં બેઠી નહિ હોય એટલામાં ફરિયાદીની દીકરીએ મિજલસ વચ્ચે આવી રડતે રડતે કહ્યું.

'મારી સેર તૂટી ગઈ.'

સહુ ચમક્યાં. હીરો એ સેરમાં પરોવેલો હતો તે બધાંએ જોયું હતું. ફરિયાદીની પત્નીએ બાળકીને ગળે જોયું તો સેર તૂટેલી લટકતી દેખાઈ. તેણે પૂછ્યું :

'હીરો ક્યાં ?'

'મને ખબર નથી.' બાળકીએ કહ્યું.

'શાથી સેર તૂટી ?'

'મને ખબર નથી.'

'ક્યાં તૂટી?'

'મને ખબર નથી.'

'મને ખબર નથી.' ના આ વર્તનથી સહુને ગભરાવતી બાળકીને કોઈએ પૂછ્યું.

'તારી સેર કોઈએ જોવા લીધી હતી ?'

'હા, જતાં જતાં વીણાબહેન જોતાં ગયાં, એમણે કહ્યું કે