પૃષ્ઠ:Pankaj.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઘેલછા : ૧૬૭
 

'બોલ તો ખરો. આખી જિંદગી મૂંગો રહ્યો.' વીણાએ ચિડાઈને કહ્યું.

'અને બાકીની જિંદગી વગર બોલ્યે પૂરી થાય એમ ઈચ્છું છું.' પીયૂષે કહ્યું. એ ઉચ્ચારણ કરતાં તેના મુખ ઉપર કોઈ મહાવિષાદની છાયા પથરાઈ, તે વીણાએ નિહાળી.

'તેમ થશે, પણ તે એક શરતે.' વીણા બેલી.

'કઈ શરત?'

'તારું બોલવાનું કામ કરે એવી એક સ્ત્રીને પરણે તો એમ થાય.'

'વીણા ! હું તો જડ છું. પરંતુ મશ્કરી આવે વખતે ક્રૂર ન લાગે?'

'અલબત્ત, મશ્કરી હોય તો જરૂર ક્રૂર લાગે'

‘ત્યારે તું શા માટે આવી વાત કરે છે ?'

'કેવી વાત ?'

'મારે પરણવાની. કેદમાં જઈ આવનારને કોણ પરણે?'

'હા, શા માટે નહિ?'

'શું તું યે ઘેલછાભર્યું બોલે છે?'

'સાચી વાતમાં તને ઘેલછા ભલે લાગે. હું તો ખરું કહું છું.'

'ઠીક.'

'શું ઠીક ?'

'મને કોઈ પરણનાર મળશે ત્યારે જોઈશ.'

'ધાર કે તને અબઘડી કોઈ પરણનાર મળે તો?'

'તો હું વિચાર કરીશ.'

‘ત્યારે હવે વિચાર કરવા જ માંડ.'

'કેમ?'

'તને પરણનાર કોઈ મળી છે માટે.'

'કોણ?'

'હું.' વીણા બોલી.