પૃષ્ઠ:Pankaj.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૮ : પંકજ
 

પીયૂષ ગાડીમાં ને ગાડીમાં ઊભો થઈ ગયો. તેને લાગ્યું કે કેદખાનામાં જ તેને આવું વીણાસ્વપ્ન આવ્યું છે, વીણાએ તેને હાથ ખેંચી નીચે બેસાડ્યો ત્યારે જ તેને લાગ્યું કે એ સ્વપ્નમાં નહિ, પણ જાગૃત સ્થિતિમાં હતો.

ઘેર આવતાં વીણાના પિતાએ તેનો સત્કાર કર્યો. પરંતુ તે જ રાત્રે વીણાનાં લગ્ન પીયુષની સાથે અત્યંત શાન્ત અને સાદી રીતે થવાનાં છે એવું તેણે જાણ્યું ત્યારે તેના આશ્ચર્યનો પાર રહ્યો નહિ. તે વીણાના પિતા પાસે દોડી ગયો.

'સાહેબ, આ હુ શુ સાંભળું છું?' તેણે પૂછ્યું.

'તમે જે સાંભળો છો એ ખરું છે.' વીણાના પિતાએ કહ્યું.

'એમાં ભારે ભૂલ થાય છે.'

'કેવી રીતે ?'

'હું ક્યાં અને વીણા ક્યાં ? મારી પાત્રતા...'

‘એ તો વીણાની મરજીની વાત છે.'

'તમે એને સમજાવો.'

'બહુ સમજાવી.'

‘હું એને સુખી કરી શકીશ નહિ.'

'એ હું નથી માનતો. આ ત્રણ વરસનો ભોગ...'

'પીયૂષ !' બહારથી વીણાનો સાદ આવ્યો.

'જુઓ, મેં તો વીણાને સમજાવી. તમારી ઈચ્છા હોય તો તમે હવે સમજાવો.' વીણાના પિતાએ કહ્યું અને એારડાની બહાર તેઓ ચાલ્યા ગયા. વીણા અંદર આવી.

'શું કરે છે તું ?' વીણાએ પૂછ્યું.

'તારી મૂર્ખાઈ અટકાવવા મથું છું.'

'તારું મંથન નિરર્થક છે.'

'કેમ?'

'પીયૂષ, તને પુરુષ થતાં આવડે તો મને સ્ત્રી થતાં નહિ આવડે ?'