પૃષ્ઠ:Pankaj.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૦ : પંકજ
 

તો હું કદી જવાબ આપીશ નહિ.'

'હીરો તેં ચોર્યો હતો ?'

'હા.'

'શા માટે ?'

વીણાએ પીયૂષનો હાથ પકડી તેને નીચે બેસાડ્યો અને હીરો ચોર્યાની વાત કહી સંભળાવી;

વીણાને નાનપણથી બધાં બાળકોની માફક ચમકતી અને સુંવાળી વસ્તુઓ પ્રત્યે અતિશય પ્રેમ હતો. બાળપણમાં તેણે પથરા અને કાચનો એક ભંડાર ભેગો કર્યો હતો. બીજાં બાળકોને મોહ ધીમે ધીમે ઓછો થતો જાય છે, પરંતુ વીણાનો મોહ એક પ્રબળ આવેશ બનતો ગયો અને પથરા તથા કાચને બદલે જવાહીરો પ્રત્યે તે વળ્યો. મોતી નીલમ, હીરાને જોતાં અને અડકતાં તેને અવર્ણનીય કંપ થતો.

વીણા ભણીગણીને મોટી થઈ તો ય તેનો આવેશ એવો ને એવો જ પ્રબળ રહ્યો. એ જ આવેશમાં તેણે પિતા પાસે એ અતિ મૂલ્યવાન હીરો ખરીદ કરાવ્યો. એ હીરા પાછળ તે ઘેલી બની ગઈ હતી. હીરાને આંખે જોવો, તે ઉપર હાથ ફેરવવો, અગર તેને જુદાં જુદાં આભૂષણો દ્વારા પહેરવો એ તેનું પરમ સુખ બની ગયું.

પરંતુ એ સુખ અસ્ત પામ્યું. હીરો વેચવાની તેના પિતાને ફરજ પડી. વીણાએ હીરો ભહુ ખુશીથી પિતાને આપી દીધો, પરંતુ તે દિવસથી તેનો દેહ અને તેનું મન વ્યગ્ર બની ગયાં. એ દુઃખ ભૂલવા તેણે અથાગ પ્રયત્ન કર્યો, પરંતુ તેને હીરાની ઝંખના થતી ચાલી. કેટલીક વખત તો તેને લાગતું કે હીરા વગર તેનાથી જીવાશે જ નહિ. હીરો ક્યાં વેચાયો હતા તેની તેને ખબર ન હતી. માત્ર તેના પિતાએ તેને આશ્વાસન આપેલું કે એ હીરો તો પાછો મેળવી શકાશે.

અકસ્માત એક મિજલસમાં પેલી બાળકીને કંઠે તેણે હીરો જોયો. પોતાનું ખોવાયલું બાળક જડ્યું હોય એવા હર્ષથી તેણે હીરા