પૃષ્ઠ:Pankaj.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઘેલછા : ૧૭૧
 

પ્રત્યે નજર નાખી, બાળકી બધે ફરતી હતી. એ હીરો તેને મળવાનો નથી એવી લાગણી થતાં તેને અકથ્ય વિષાદ ઊપજ્યો. મિજલસમાંથી તે વહેલી ઊઠી. બારણાં પાસે જતાં એક ખૂણામાં બાળકી રમતી હતી. બાઈ અને દરવાન વાતો કરતાં બહાર ઊભાં હતાં. બાળકીને તેણે કહ્યું : 'જોઉં બહેન, તારી સેર?'

ઘણાંએ એ પ્રમાણે હીરો ભરેલી મોતીસેર જોઈ હતી. બાળકીએ ગર્વ પૂર્વક સેર ઉપર વીણાને હાથ ફેરવવા દીધો. એકાએક વીણાએ બૂમ પાડી :

'જો જો. તારી સેર તૂટેલી છે.'

કોઈ ભયાનક આંતરધક્કો વાગ્યો અને વીણાએ અજબ સિફતથી સેર તોડી હીરો લઈ લીધો. ઝડપથી તે ઘર બહાર નીકળી અને ઘરે આવી.

એટલામાં પોલીસ આવ્યાની તેને ખબર પડી. આત્મઘાત સિવાય તેને બીજો માર્ગ ન હતો. પીયૂષ સમજ્યો, તેણે વીણાને આત્મઘાતમાંથી બચાવી લીધી, એટલું જ નહિ — વગર વિલંબે તેણે વીણાની ચોરી પોતાને માથે લીધી.

'બીજું કાંઈ પૂછવું છે?' વીણાએ કહ્યું.

'ના.' પીયૂષે કહ્યું.

'ફરીથી આવી ઘેલછા મારામાં નહિ ઊપડે એની ખાતરી શી?'

'તેં ઊભા કરેલા પ્રશ્નનો જવાબ તું જ આપ.'

'હવે એ ઘેલછા ફરી નહિ ઉપડે.'

'કેમ ?'

'એકને બદલે મને બે હીરા મળ્યા છે,’ કહી વીણાએ પીયૂષનું મસ્તક પકડી તેની બન્ને વ્યાકુળ આંખે ચુંબન કર્યું.

પીયૂષને સંપૂર્ણ ખાતરી થઈ કે વીણાની ઘેલછામાં તેનું ભાવિ જીવન સુરક્ષિત છે.