પૃષ્ઠ:Pankaj.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦: પંકજ
 

અપરમાનું હૃદય ધડકી ઊઠ્યું, તેના હૃદયમાં ચીરો પડ્યો. 'હજી આ બાળકને હું ખરી માતા સરખી નથી લાગતી ?'

તેણે કહ્યું : 'તે હું જ વળી ખરી મા છું.'

'ખરી મા મને તું કહેતી હતી : તમે નહિ.'

'મેં ક્યારે તને 'તમે' કહીને બોલાવ્યો ?' માતા જૂઠું બોલી.

‘પણ મારી ખરી મા તો મરી ગઈ છે ને ?'

'તે હું આવી, જોતો નથી ?'

'કેમ ?'

'ઓ દીકરા, તારે માટે !'

અપરમા ખરી મા બની ગઈ. તેણે બાળકના મુખ ઉપર પહેલું ચુંબન લીધું. તેના હૃદયમાં માતૃત્વને પાતાળકૂવો ફૂટી નીકળ્યો. બાળકની નાની પલંગડીમાં તે સૂતી અને બાળકને તેણે છાતી સરસો લીધો.

બાળકને આ ઉમળકાનો ઊંડો અર્થ સમજવાની જરૂર નહતી. તે તો એટલું જ સમજ્યો કે આમ છાતી સરખો ચાંપીને ખરી મા જ સૂએ. ખરી માને બાઝીને કુસુમાયુધ ગાઢ નિદ્રામાં પડ્યો: તેના દેહને બાળતો અગ્નિ શાન્ત પડી ગયો.

હવે તેના મસ્તક ઉપર બરફ મૂકવાની જરૂર નહોતી. આજે તે માની અમૃતભરી સોડ પામ્યો હતો.