પૃષ્ઠ:Pankaj.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સમાન હક્ક : ૧૭૩
 

ઓળખાણ, મૈત્રી, અલ્પ પ્રેમ, અર્ધ પ્રેમ, પ્રેમાપ્રેમ, નિરાશ પ્રેમ, સમાન પ્રેમ, સામાન્ય પ્રેમ, એવા એવા પ્રેમપ્રકારોના પણ વ્યાપક પ્રયોગોનો લાભ સહુને મળે છે. આ પ્રેમટુકડા જીવનમાં ચોંટી રહેતા હોવાથી સંપૂર્ણ સ્નેહની સાથે સાથે કવચિત પોષાતા પણ જાય છે.

એકાન્ત જીવનના ઉપભોગ પછી મિત્રસહવાસની ઈચ્છા રહ્યા કરે છે. સુકન્યા અને ભગીરથ પોતાના મિત્રોને વારંવાર બોલાવવાની ઈચ્છા કરવા લાગ્યાં.

‘આપણે જયાને બોલાવીશુ ?' ભગીરથ સુકન્યાને પૂછતો.

'હા હા. એ બોલકી છોકરી આવશે તો મઝા પડશે. પણ સાથે પ્રભાકરને પણ લખીએ તો કેવું?' સુકન્યા કહેતી.

'એ તો બિલકુલ મૂંગો. જયા હશે તો પ્રભાકરને બનાવવાની રમૂજ આવશે. એને પણ લખીએ.' ભગીરથે ખુશ થઈ સંમતિ આપી. કાગળો લખાયા અને જયા તથા પ્રભાકર એ બન્ને થોડા દિવસમાં આવી પહોંચ્યાં.

જયાની જીભ એ વાણીનો અખૂટ ઝરો હતો. આખો દિવસ તેને કાંઈ ને કાંઈ બોલવાનું હોય જ, તેની વાત પણ રસ ભરી જ હતી. સહું એની વાત સાંભળતાં. વાત ન હોય તો ઊભી કરતાં અને હસતાં. ઓછાબોલો પ્રભાકર પણ વાતો સાંભળતો, અને બોલવા માટે મથતો. પરંતુ જયાના વાક્પ્રવાહમાં સહુની વાણી ડૂબી જતી.

ગમ્મત, ઉલ્લાસ, મસ્તી, તોફાન એ વર્તમાન સમયનાં સંસ્કાર ચિહ્ન ગણાતાં જાય છે, કારણ સ્વાતંત્ર્ય એ વર્તમાન જીવનનું સૂત્ર છે. વૃદ્ધ માબાપ અને સાસુસસરાની હાજરી ઓછી થવાને લીધે – અગર હાજરી હોવા છતાં તેમની સત્તા ઐતિહાસિક કારણોના પ્રભાવથી નિર્મળ થતી હોવાને લીધે - જે મર્યાદાઓ જૂના સંસારને સંકુચિત અને રસરહિત બનાવી દેતી તે મર્યાદાઓ હવે લુપ્ત બનતી જાય છે; અને તેને સ્થાને દેહદર્શન અબોલાને બદલે લખલૂટ વાર્તાલાપ તથા હાસ્યવિનોદ, સંકોચને સ્થાને સ્વાભાવિક દેહસ્પર્શ, અને... અને