પૃષ્ઠ:Pankaj.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૬ : પંકજ
 

એક તકિયો લઈ ભગીરથની પાસે ગોઠવી સૂતાં સૂતાં કહ્યું.

આખી જયા માય એવડો લાંબો સૉફો નહોતો. કદાચ ભગીરથ ઊઠ્યો હોત તો જયા આરામથી સૉફા ઉપર ઊંઘી શકત. પરંતુ ભગીરથ ત્યાંથી ઊઠ્યો નહિ. મહેમાન જયાની પૂરતી કાળજી રાખવી જોઈએ એમ તે માનતો હતો. અને એ પ્રમાણે વર્તન પણ રાખતો હતો. તેને લાગ્યું કે મૈત્રિણીને તેણે આરામ આપવો જોઈએ.

'બહુ માથું દુ:ખે છે ખરું ?'

'બહું તો નહિ પણ દુઃખે છે ખરું' જયાએ કહ્યું.

'લાવ હું દબાવું.' કહી ભગીરથે જયાના મસ્તક ઉપર હાથ ફેરવવા માંડ્યો.

કોઈ પણ યુવતીને કપાળે હસ્ત મૂકવો હરકોઈ યુવકને ગમે છે – માત્ર તે યુવતી પોતાની માંદી પત્ની ન હોવી જોઈએ. પ્રત્યેક યુવતીને લાડ ગમે છે. અને જો તે જૂની પ્રણાલિકામાં ન ઊછરી હોય તો મિત્રના લાડમાં તે અબોલ રહે છે, બહુબોલી જયા અબોલ રહી. ભગીરથે પાંચેક મિનિટ સુધી જયાનું મસ્તક દબાવ્યા કર્યું.

'કેમ? હવે ઠીક છે?' ભગીરથે પૂછ્યું. મસ્તક ઉપર બહુ મજૂરી કરવી એ રસિકોને પણ લાંબો વખત ફાવતું નથી. જયાએ કશો જવાબ ન આપ્યો.

'સૂતી કે ઢોંગ કરે છે ?' ભગીરથે પૂછ્યું.

જવાબમાં મીંચેલી આંખે જયા આછું આછું હસી રહી. જયાના મુખ સામે ભગીરથને જોઈ રહેવું ગમ્યું. તેણે મિત્રભાવે જયાના ગાલ ઉપર ટપલી અડાડી કહ્યું :

'લુચ્ચી !'

પરંતુ તે જ ક્ષણે ઓરડામાં આવેલી સુકન્યાને તેણે જોઈ હોત તો એ અતિમૈત્રીનો આવો ચાળો કરત કે કેમ તેની ભગીરથને જ શંકા પડી. મૂંઝાવાનું કારણ જરા ય ન હતું છતાં તે સુકન્યાને જોઈ મૂંઝાયો, મૂંઝવણમાં જ તેનાંથી પુછાઈ ગયું :