પૃષ્ઠ:Pankaj.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૦ : પંકજ
 


‘તેની મને પરવા નથી. હું શુદ્ધ છું. અને તમે અડક્યા છતાં પણ શુદ્ધ છું એ હું જગતને બતાવી આપીશ.'

'પણ એ બધી મહેનત લેવાનું કારણ?'

'કારણ એટલું કે પતિપત્ની વચ્ચે જાસૂસી સંબંધ બંધ થવો જોઈએ.’

'તે કેમ બંધ થાય?'

'જો તારે ગળે હાથ નાખીને બેસું તોપણ કોઈને વહેમ પડવો ન જોઈએ. શા માટે એમાં દોષ જોવાય? ' કહી ઉગ્ર ભગીરથે જયાના ખભા પર હાથ મૂકી દીધો.

સ્પર્શાસ્પર્શની ભાવના અંત્યજો માટે જ સુધરી છે એમ નહિ. સ્ત્રીપુરુષના સ્પર્શની છોછ પણ હવે ઘણી ઘટતી જાય છે. એ વિકાસનું લક્ષણ હોવા છતાં જ્યાએ આછો છણકો કરી ભગીરથનો હાથ ખસેડી નાખતાં કહ્યું.

'જા જા વનચર.'

આમ જયાને ખભે મુકાયલો ભગીરથનો હસ્ત નવયુગના સામાન્ય સંજોગોમાં અજીઠો કે અસ્વાભાવિક ન જ લાગત. પરંતુ બારણા આગળ થઈ પસાર થતી સુકન્યાને એ દ્રશ્યમાં સમુદ્રમંથનનું મહત્વ લાગ્યું, અને મંથનનું ઝેર તેની આંખમાં તરી આવ્યું.

જૂની રીતભાત ખરાબ હતી એ આપણે જાણીએ છીએ. નવી રીતભાતથી થતા ફાયદા અને ગેરફાયદાનું વર્ગીકરણ કરવાની જરૂર ઝડપથી ઊભી થતી જાય છે એ પણ ભૂલવા સરખું નથી.

એનું એક પરિણામ એ આવ્યું, કે જયા અને પ્રભાકર બન્ને મહેમાનો તે જ દિવસે પહેલી મળતી ગાડીએ ચાલ્યાં ગયાં. ભગીરથ અને સુકન્યા બંનેએ રહેવા માટે તેમને અતિશય આગ્રહ કર્યો; પરંતુ શાન્ત પ્રભાકર અને બોલકણી જયા બન્નેએ એ આગ્રહ માન્યો નહિ. ફરીથી આવવાનું આશ્વાસન આપી ભયંકર બનતા જતા ગૃહમાંથી નીકળી જવામાં જ તેમણે સલામતી માની.