પૃષ્ઠ:Pankaj.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સમાન હક્ક : ૧૮૧
 


એનું બીજું પરિણામ એ આવ્યું કે ભગીરથ અને સુકન્યા એકબીજાની સાથે બોલતાં બંધ થઈ ગયાં.

પતિ પત્ની વચ્ચેનાં મૌન ઘણી વખત ઉપવાસ સરખી ઉન્નત આધ્યાત્મિક અસર ઉપજાવે છે. પરંતુ છૂટાછેડાને આરે આવી બેઠેલી આપણી વર્તમાન લગ્નભાવનામાં એ પ્રયોગ અધિભૌતિક અને અધિદૈવિક આપત્તિરૂપ નીવડે એવો પણ સંભવ રહે છે. ભગીરથ અને સુકન્યા પરસ્પરનું અસ્તિત્વ જાણે ન હોય એમ વર્તન કરવા લાગ્યા. એક ઘરમાં રહ્યા છતાં લાંબો વખત અબોલા ચલાવવા એ તપસ્વીને પણ મુશ્કેલ પડે એમ છે. પતિપત્નીના વ્યવહારમાં અલ્પજીવી અબોલા માટે ઠીક ઠીક સ્થાન છે. પરંતુ જેમ જેમ કલાકો વધતા જાય તેમ તેમ અબોલા પાળવાનું અશક્ય બનતું જાય છે. એક કલાક સુધી પતિ પત્ની આસાયેશ સહ ન બોલે; બીજે કલાકે સહેજ મૂંઝવણ પડે તો ય વેઠી લઈ અબેલા પાળી શકાય; આગ્રહી પતિપત્ની પોતાના દ્રઢ સંકલ્પબળને પ્રભાવે ત્રીજો કલાક પણ વગર બોલ્યે વટાવી દે; પરંતુ હસીને, રડીને અગર મારામારી કરીને પણ, પતિપત્ની ચોથે કલાકે ન બોલ્યાં હોય એવું કદી બનતું નથી.

બધા ય નિયમને અપવાદ હોય તેમ રીસશાસ્ત્રના નિયમો પણ અપવાદને પાત્ર હોય છે. નવજીવનમાં દાખલ થયેલું સમાન હક્કનું તત્ત્વ પતિ પત્નીના મૌનને પાંચ કલાક સુધી લંબાવવામાં સફળ થયાના દાખલા બનવા લાગ્યા છે.

પરંતુ ભગીરથ અને સુકન્યાનું મૌન એથી પણ આગળ લંબાયું. પ્રેમયુદ્ધમાં પણ મહારથી અને અંતિરથીના દરજ્જા યોજી શકાય એમ છે. ભગીરથ મહારથી હશે, તો સુકન્યા અતિરથી હતી. સમાન હક્કના મોરચા આવાં યુદ્ધોને પાણીપત અગર હલદીઘાટ કરતાં પણ વધારે આકર્ષક અને ઉત્તેજીત બનાવી મૂકે છે.

'હું શાને બોલું ?' બોલવાનું મન થતાં ભગીરથ પોતાના