પૃષ્ઠ:Pankaj.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સમાન હક્ક : ૧૮૩
 

છતાં બીજો દિવસ આમ ને આમ વિતાવવો એ મહા કષ્ટપ્રદ વસ્તુ હતી. કાંઈ પણ બન્યા સિવાય – કાંઈ પણ કર્યા સિવાય અબોલા– અને તેમાં સમાયેલું સ્વમાન અને તેના ઊંડાણમાં રહેલા સમાન હક્કની મહાપવિત્ર ભાવના એ સર્વ ભસ્મીભૂત બને એમ હતું. સમાન હક્કનાં શૂરા, સુખનો ભોગ આપીને પણ, સમાન હક્કની પ્રતિષ્ઠા જાળવી રાખે છે.

નાની મોટી પ્રવૃત્તિ માગતો દિવસ તો જેમ તેમ વીત્યો. પરંતુ પ્રવૃત્તિહીન રાત્રિ ભય ઉપજાવતી હતી. ભગીરથે સંધ્યાકાળ થતાં કપડાં પહેર્યા, નાની બૅગ તૈયાર કરી, અને નાનકડો પત્ર પરબીડિયામાં નાખી જ મેજ્ ઉપર મૂકી તે ઘરમાંથી બહાર નીકળ્યો. ઘરથી બહાર નીકળતાં તેણે સહજ પાછું જોયું. સુકન્યા બારીએ ઊભેલી ઝાંખા થતા પ્રકાશમાં દેખાઈ. બંને પરસ્પરને નિહાળતાં પકડાઈ ગયાં. સ્વમાનની વેદી ઉપર જીવન હોમતાં પત્નીએ પરસ્પર સામેથી દ્રષ્ટિ વાળી લીધી. સુકન્યા બારી છોડી ઘરમાં ગઈ; ભગીરથ સીધું જોઈ સ્ટેશને જઈ આગગાડીમાં બેઠો.

સુકન્યા આખી રાત એકલી પડી. તેના સ્વમાનને ઘસી ધારદાર બનાવતું અન્ય સ્વમાન અદૃશ્ય થયું એટલે તેના હૃદયમાં કઈ અકથ્ય પીડા ઉપન થઈ. ઘર એકદમ ખાલી ખાલી લાગવા માંડ્યું, એકાન્ત ઘરનો તેને ભય લાગવા માંડ્યો. ભગીરથ પાછો આવશે એવી આશામાં તે બારીએ ઊભી રહી, અને પ્રત્યેક પડછાયામાં ભગીરથનો ઈશારો જોવા લાગી. પરંતુ એને ક્યાં ખબર હતી કે ભગીરથ તો એ સમયે રેલગાડીમાં કલાકના ચાલીસ માઈલની ઝડપે સુકન્યાથી દૂર ને દૂર ચાલ્યો જતો હતો !

મધરાત સુધી એક વીરાંગનાને છાજે એટલી દ્રઢતાપૂર્વક તે હૃદયવેદના સહી રહી. પરંતુ મધરાત પછી પથારીમાં સૂતાં બરાબર