પૃષ્ઠ:Pankaj.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૮ : પંકજ
 

ગઈ હતી. પત્નીમય થઈ ગયેલા ભગીરથે પોતાના મનનોને પ્રશ્ન બદલી પૂછ્યું.

'મારી પાસે જયાની છબી હોત તો ?'

ક્ષણવાર નયન ચમકાવી સુકન્યાએ જવાબ વાળ્યો :

'તારી પાસે જયાની છબી હોત તો પણ હું તો, અંહ ! આમ જ કરત.' કહી તે ભગીરથની કોટે વળગી પડી. સ્ત્રીનો અગ્રહક્ક સ્વીકારાયો. શંકા ઓસરી ગઈ હતી : રોષ તો અદ્રશ્ય થઈ જ ગયો હતો. પરસ્પરને ઝંખતાં હૃદયો ભેગાં થઈ ગયાં. ભાંગતું ઘર સંધાઈ ગયું; વિમુખ થતાં જીવન સજ્જડ ચોંટી એક થયાં.

પરંતુ સ્વમાનના આવેશમાં – સમાનતાના દુરાગ્રહમાં – પરસ્પરની પાસે બીજી જ છબીઓ હોત તો ? પતિ પત્નીની છબી નીકળી એ અકસ્માત જ હતો; બીજી કોઈની છબી હોત તો પણ પતિપત્ની સ્નેહી જ હતાં. એ અકસ્માત બનત તો નવાઈ ન હતી. પરંતુ એનું પરિણામ શું આવત એ વિચાર કરી થથરતાં ભગીરથ અને સુકન્યા એકબીજાને એવાં વળગી પડ્યાં કે બૅગ મૂકવા આવેલા નોકરને ત્યાંથી ચાલ્યા જવું પડ્યું.

'આપણે પ્રભાકર અને જયાને પાછાં બોલાવવાં જોઈએ, નહિ?' સ્થિર બનેલા ભગીરથે બીજે દિવસે કહ્યું.

'જરૂર, આપણે એમને ભયંકર અન્યાય કર્યો છે.' જે મિત્રોની મૈત્રી જીવનકલહ બનવાની હતી તે મિત્રોની મૈત્રી હવે સુકન્યાએ નિર્ભયતાથી સંભારી.

‘ત્યારે તું આજે જ પત્ર લખી દે, બંનેને.'

સુકન્યાએ વિવેકભર્યા, આગ્રહભર્યા પત્રો લખ્યા, અને તેમાં નવા જમાનાની ઉદારતાને શોભે એવી મશ્કરી પણ લખી કે તેને સ્ત્રીપુરુષ મિત્રોના ચુંબનમાં કે સ્પર્શમાં જરા ય ભય રહ્યો નથી.