પૃષ્ઠ:Pankaj.pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સમાન હકક : ૧૮૯
 

ત્રીજે દિવસે જયાના હસ્તાક્ષરવાળે કાગળ ફોડી વાંચતાં સુકન્યાનાં ભવાં સંકોડાયાં. બીજા પત્રો વાંચતા વાંચતાં પત્નીનું સૌન્દર્ય નિહાળતો ભગીરથ બોલ્યો :

'શું છે? જયા આવે છે ને ?'

'ના, રે. એ તો આપણને બોલાવે છે.' સુકન્યાએ કહ્યું.

'કેમ?'

'જયા અને પ્રભાકર પરણે છે !' સુકન્યાએ પત્રમાંની ખબર આપી.

'એમ?' ચમકીને ભગીરથ બોલી ઊઠ્યો.

'હા. અને પાછી આપણને મહેણું મારે છે.'

'શું?'

'કે એ તદ્દન જૂના જમાનાની બની ગઈ છે, અને પુરુષ કે સ્ત્રીમિત્રના સ્પર્શ–ચુંબનમાં પાપ માનતી ગઈ છે.'

બન્ને જણ સામસામું જોઈ રહ્યાં સ્વતંત્ર – અતંત્ર વર્તનને સંસ્કારની પરાકાષ્ટા માનતાં કેટકેટલાં દંપતી આચારસ્વાતંત્ર્યને સહી શકતાં નથી ! પોતાના વર્તનમાં વિશુદ્ધિ માનતાં માનવતાં પ્રેમીઓને એ સ્વાતંત્ર્ય અસહ્ય થઈ પડે છે, અને તેમના પ્રેમ માત્ર પડછાયા બની જાય છે. એ સ્વાતંત્ર્ય કરતાં સંકોચ વધારે સલામતીભર્યો છે એટલું તો બંનેને સમજાયું.

'આપણે હવે કદી વલકુડાં બનીને પુરુષોને બાઝવું નથી !' સુકન્યાએ નિશ્ચય જાહેર કર્યો.

'અને મારે પણ સ્ત્રીઓની પાછળ વ્હીલાવેવલા બની ફરવું નથી.' ભગીરથે નિશ્ચય કર્યો.

અલબત્ત, એ નિશ્ચયમાં એક અપવાદ તો હતો જ ! પણ એ અપવાદ વાણીમાં સ્પષ્ટ કરવાની બન્નેમાં કોઈને જરૂર ન હતી. કારણ બન્નેએ પરસ્પરને અડકીને ફરીથી જયાને પત્ર સાથે વાંચ્યો !