પૃષ્ઠ:Pankaj.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૨ : પંકજ
 


'નવાસાહેબને કહેજે કે તેમનું માથું ધડથી જુદું કરી થાળમાં મૂકી અહીં મોકલે તે પછી હું મારી પુત્રીના લગ્નનો વિચાર કરીશ.'

નવાબસાહેબના પ્રતિનિધિએ ધમકી આપી. નવાબના ફરમાનની અમાન્યતાનું વિપરીત પરિણામ સમજાવ્યું; પરંતુ રાજસિંહનું હિંદુત્વ સજીવ હતું. નવાબની સામે યુદ્ધમાં લાંબો વખત ટકાય એમ ન હતું; નવાબને ત્રાસ આપવા માટેનું ઝડપી યુદ્ધ ડુંગરોના આશ્રય નીચે થઈ શકે એમ હતું, પરંતુ એ અસ્થિર સ્થિતિ સર્વદા સંતોષભરી ન જ હોય અને પોતાના જ સેનાપતિમાંથી કોઈને ફોડી પુત્રીનું હરણ કરાવવું નવાબ માટે અશક્ય નહોતું જ. રાજસિંહના બેત્રણ સાથીઓ ફૂટી નવાબને મળી ગયા હતા એ દ્રષ્ટાંત તેની સામે સર્વદા જાગૃત રહેતુ; છતાં ય મૃત્યુથી ન ડરનાર રાજસિંહે પ્રતિનિધિની ધમકીને –વિષ્ટિને જરા ય ગણકારી નહિ. નવાબની માગણીનો તિરસ્કાર કરી રાજસિંહ ઊભો થયો અને રણવાસમાં આવ્યો.

રણવાસમાં તત્કાળ સમાચાર ફરી વળ્યા હતા. આખો રણવાસ ખળભળી ઊઠ્યો. રાણીજીએ રાજસિંહના નિશ્ચયને પુષ્ટિ આપી. આખું રાજ્ય ફના થાય તો ભલે, પણ રાજસિંહની રાણી પોતાની પુત્રીને મ્લેચ્છ સાથે પરણાવવા કદી પણ સંમતિ આપે એમ ન હતું.

'પણ પદ્મા ક્યાં?' રાજસિહે પૂછ્યું.

પદ્મા ડુંગર ઉપર આવેલા એક સરોવરતીરે બેઠી હતી. શિકારની શોખીન એ રાજકન્યાને આજ કોઈ વાધ કે દીપડો મળ્યો નહિ, પરંતુ એના હૃદયને હલાવી નાખતો એક રાજકુમાર તેને મળ્યો હતો. વિજયસિંહનું નામ તેણે સાંભળ્યું હતું. દૂરથી તેને અનેક વખત જોયો પણ હતો. રાજસિંહનાં વિકટ કાર્યો અને કારસ્તાનોમાં તેનો અગ્ર ભાગ હોય જ. રાજસિંહ અને વિજયસિંહના પિતા મિત્ર હતા.