પૃષ્ઠ:Pankaj.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભાઈ : ૧૯૩
 

વિજયસિંહના પિતા બે વર્ષ થયાં મૃત્યુ પામ્યા હતા. પરંતુ વિજયસિંહે પિતાના મિત્રની મૈત્રી ચાલુ રાખી. એટલું જ નહિ, પણ તેણે રાજસિંહને એટલી સહાય આપી કે રાજસિંહને તેનો ઉપકાર વસવા માંડ્યો.

ડુંગર ઓળંગી તે રજપૂત યુવક રાજસિંહને મહત્વનો સંદેશ પહોંચાડવા જતો હતો.

તળાવને કિનારે સાફો અળગો કરી મુખ ઉપર પાણી છાંટતી એક શસ્ત્ર સજજ યુવતીને વિજયે નિહાળી.

વીર કે વ્યાપારી, હિંદુ કે મુસલમાન, પુરુષ કે સ્ત્રી એ સહુના જીવનની એક ક્ષણ સમાન બની જાય છે – એક સરખા માનવભાવમાં ડૂબી જાય છે. એ ક્ષણ તે પ્રેમની ક્ષણ !

વિજયે ઘોડાને ઊભો રાખ્યો. પવનમાં હાલતા ખૂલતા વાળ સંકોરતી એક સુંદરીએ નિર્જન ડુંગર કરાડ ઉપર વિજયને નિહાળવાની ભાગ્યે જ આશા રાખી હોય. પદ્માના સાહસશોખની વિજયને પણ ખબર હતી. પદ્માએ વિજયને ઓળખ્યો. વિજયે પદ્માની કલ્પના કરી લીધી. પદ્મા શિકારની નિષ્ફળતા વીસરી ગઈ. વિજય સંદેશાનું મહત્વ વીસરી ગયો, ઘોડાને છૂટો મૂકી તે નીચે ઊતર્યો અને ઝડપથી સાફો પહેરી લેતી પદ્મા પાસે આવ્યો. પુરુષવેશમાં ઢંકાયેલો પદ્માનો સ્ત્રીદેહ વિજયને અત્યંત મોહક લાગ્યો.

'આપ કોણ છો ?' વિજયે પૂછ્યું.

'હુ પદ્મા.' રાજસિંહની કુંવરી પદ્માએ કહ્યું.

'મને નહિ ઓળખ્યો હોય.'

'આપને ઓળખું છું.'

'તો કહો, હું કોણ છું ?'

'આપ–આપ વિજયસિંહ નહિ?' વિજયસિંહનો નામોચ્ચાર કરતાં શૂરી પદ્માના હૃદયે કંપ અનુભવ્યો. ક્ષણભર બંને શાંત રહ્યાં.

'શિકાર ન થયો?' વિજયે પૂછ્યું.