પૃષ્ઠ:Pankaj.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૬ : પંકજ
 

'આપ ઘેર પહોંચશો તે પહેલાં કદાચ એ પ્રશ્નનું નિરાકરણ થઈ ગયું હશે.

'ત્યારે તમે શું સંદેશો પહોંચાડવા આવો છો ? '

'હું એટલો જ સંદેશો પહોંચાડવા જાઉં છું; લગ્ન માટે સાત દિવસની મહેતલ આપી છે એ ખોટી છે. આવતી કાલ પ્રભાત પહેલાં રાજસિંહનો ગઢ ઘેરાઈ ગયો હશે.'

'એટલે?'

'સાત દિવસ પહેલાં તમારે નવાબસાહેબની જોડે પરણવું પડશે.’

'પદ્મા સહજ સ્થિર ઊભી રહી. સાફાના બંધનમાંથી છૂટવા મથતી એક લટ કપાળ ઉપર ફરફરી રહી.

‘તમે મારા પિતાના મિત્ર છો. તમે આમાં શું કરશો?' પદ્માએ પૂછ્યું,

'આપના પિતા જે કહેશે તે કરીશ.'

'તેમના કહેવાની રાહ જોશો ? તમારો ધર્મ શું કહે છે?'

'મારો ધર્મ ? સત્યને સહાય આપવાનું કહે છે.'

સંધ્યાકાળના સોનેરી રંગ સરોવરને સોનેરી બનાવતા હતા. પરંતુ એ સુવર્ણરંગ પાછળ કોઈ કાળાશ પણ ઝઝૂમી રહેલી હતી.

'વિજય ! હું માગું તે આપશો ?'સહેજ નીચું જોઈ પદ્મા બોલી.

વિજય વિચારમાં પડ્યો. આખું નામ ન બોલી પદ્મા શું વિજયની નજીક આવતી ન હતી? અને તે કાંઈ માગતી હતી ! સ્ત્રી વિષયના વિચારોને દૂર રાખી રહેલો વિજય ભય અને આનંદની કોઈ મિશ્ર લાગણી અનુભવી રહ્યો. પદ્મા શું માગશે ?

'તમે શું માગશો ? '

'આમ પૂછ્યા પછી આપવાનું હોય તો મારે કાંઈ માગવું નથી. માગનારને સર્વસ્વ આપવાનો આર્ય રિવાજ...'