પૃષ્ઠ:Pankaj.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૦ : પંકજ
 

તથા ગફલતનો લાભ અપાવનારા ગુપ્તચરોની તેને કલ્પના પણ ન હતી. અત્યંત સરળતાથી–નવાઈ જેવી સરળતાથી નવાબ અહેમદખાને દરબારગઢમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરતાં વાર જ યુદ્ધના સ્થાને નવાબે વિવેક નિહાળ્યો. રાજસિંહના પ્રધાને અત્યંત માનપૂર્વક નવાબસાહેબને સલામ ભરી અને અંદર પધારવા વિનંતિ કરી.

'મહારાજ આપની રાહ જુએ છે.' નવાબસાહેબને પ્રધાને કહ્યું.

'મારી ?' નવાબ આ વિવેકની આશા રાખતા ન હતા.

'હા, જી. કુંવરીનું લગ્ન થાય છે. આપની આશિષ જરૂર કલ્યાણકારી થશે.'

'કુંવરીનું લગ્ન ?'

'હા. જી. પદ્માવતીનું. '

‘પદ્માવતીનું લગ્ન? કોની સાથે?' નવાબે ક્રોધાવેશમાં પૂછ્યું.

'વિજયસિંહ સાથે.'

'વિજયસિંહ ? એને તો મેં આજ પ્રભાતમાં જ કેદ પકડ્યો છે.'

'હશે, પણ પદ્માવતીનું લગ્ન વિજયસિંહ સાથે થાય છે એ પણ એટલું જ ચોક્કસ છે.'

નવાબ ધસીને ચૉકમાં આવ્યા. રાજસિંહે ઊભા થઈ તેમનો સત્કાર કરવા પ્રયત્ન કર્યો, પરંતુ એ સત્કારને ન ઓળખતા નવાબે જોયુ કે ત્યાં લગ્નક્રિયા ચાલી રહી છે.

કન્યાની પાસે એક ખુલ્લી તલવાર મૂકેલી હતી. એ તલવાર સાથે પદ્માવતીનાં લગ્ન થતાં હતાં. નવાબ સમજી ગયા. રજપૂતોના રિવાજ પ્રમાણે ખાંડા સાથે કન્યાનાં લગ્ન થઈ શકે છે. એ તલવાર પતિનું સકેત બનતી હતી.

'આ લગ્ન નિરર્થક છે.' નવાબ અહેમદે ગર્જના કરી.

'ક્ષત્રિયાણીનાં લગ્ન નિરર્થક હોતાં નથી.' રાજસિંહે કહ્યું.

'વિજયને મેં કેદ પકડ્યો છે. એને શૂળી ઉપર ચડાવીશ ત્યારે તમને આ લગ્નની નિરર્થકતા સમજાશે.' નવાબે કહ્યું.