પૃષ્ઠ:Pankaj.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લગ્નની ભેટ : ૧૩
 

સૂતે સૂતે ધારીને રશ્મિને જોયો અને પછી કહ્યું. રાત્રે પણ તેમની આંખો સતેજ હોય એમ લાગ્યું.

જેનો શબ્દમાં જવાબ ન અપાય તેનો સ્મિતમાં જવાબ હોઈ શકે. રશ્મિએ સ્મિત કર્યું. માના પગ પાસે બેઠેલી સુરભિ આડી આંખે રશ્મિને જોયા કરતી હતી. યુવતીઓ યુવકની પરીક્ષા નથી કરતી એમ કહેવાય નહિ; પરંતુ કોઈ પણ યુવકે એમ ધારવાનું નથી કે તીરછી આંખે જોતી યુવતી તેને પરીક્ષામાં પસાર કરી દે છે.

'મારે આવવું જોઈતું હતું, પણ હું શું કરું? મારું શરીર અશક્ત–ભારરૂપ.' નિઃશ્વાસ નાખી નીલમગૌરી બોલ્યાં. કેટલાંક વર્ષના સંધિવાને લીધે તેમનો દેહ અટકી પડ્યો હતો. જરા રહી વળી તેમણે કહ્યું : 'બહુ ખોટું થયું. સો જજો, પણ સોનો પાળનાર ન જજો.'

રશ્મિના પિતા બારેક માસ ઉપર ગુજરી ગયા હતા તેનો ઉલ્લેખ આ શબ્દમાં હતો. મૃત મનુષ્યો માટે તેમના સ્નેહી આગળ કેવી રીતે દુઃખ પ્રદર્શિત કરી સમભાવ દર્શાવવો એ સંસારનો એક કોયડો છે. જૂની હિંદુ જનતામાં એ આવડત સારી હતી.

'ઈશ્વરે એટલું સામું જોયું કે તારા સરખો દીકરો પાછળ મૂક્યો છે. બાપનું નામ રાખે અને માને સુખ આપે. બીજું તો શું ? માણસ ગયું તેની કાંઈ જગા પુરાય છે?'

રશ્મિને જવાબ દેતાં આવડ્યું નહિ. સ્વર્ગસ્થ પિતાનો ઉલ્લેખ તેના હૃદયને સ્વાભાવિક રીતે હલાવતો હતો.

'સુરભિ ! તું રશ્મિને ક્યાંથી ઓળખી શકે ? મેં દસ વર્ષ જોયો. રશ્મિ ! વિલાયત ત્રણેક વર્ષ રહ્યો, ખરું ?'

'હા કાકી.'

'તારાં માનું શરીર સારું છે ને ?'

'હા. જી.'

'બિચારા ! ગયે વર્ષે તો તારાં લગ્ન કરવાનું ધારતાં હતાં, તેમાં આમ થયું. પ્રભુને ગમે તે ખરું. સુરભિ, બેટા ! આ રશ્મિ માટે