પૃષ્ઠ:Pankaj.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૨ : પંકજ
 

પદ્માવતી ભલે ગમે તે વિચાર કરતી હોય, પરંતુ તેના હલનચલનમાં ભય જરા ય દેખાયો નહિ. ધીરે ડગલે તે સૈનિકોની સાથે ઝરૂખા ઉપર ચડી ગઈ.

વિજયસિંહ અને રાજસિંહે તેને ઝરૂખે ઊભેલી નિહાળી. એ બન્ને બંદીવાનોએ ક્ષણભર પોતાની આંખ ફેરવી લીધી. વિજય શરમમાં ડૂબી ગયો, પદ્માના રક્ષણ અર્થે તૂટી પડેલા એ વીરને મહામુસીબતે નવાબના સૈન્યે કેદ પકડ્યો હતો. વિજયને ઘા પણ પડ્યા હતા; પરંતુ પદ્માનું રક્ષણ કરવાને અશક્ત બનેલો એ નર પોતાના જીવનને તિરસ્કારી રહ્યો હતો.

વિજયની સાથે તે ચાલી નીકળી હોત તો ? પરંતુ લગ્ન થયા પહેલાં વિજય સાથે ચાલ્યા જવું એમાં પદ્માને ચોખ્ખી અનીતિ લાગી. વળી પિતાને સંદેશ પહોંચાડવાનો હતો અને વિજયની તલવાર મૂકી વિજય સાથે લગ્ન કરી નાખવાનું હતું એટલા જ માટે એણે વિજયની તલવાર માગી લીધી હતી !

એ વિજય પદ્માને છોડવતાં પહેલાં કેદ પકડાયો અને લગ્ન થતાં બરોબર શૂળીએ ચડવા ઊભો હતો ! પદ્માને માટે એ મરતો હતો. શા માટે એને મરવા દેવો ?

વિજયને અને રાજસિંહને છોડાવવાને એક જ માર્ગ થયેલું લગ્ન અમાન્ય કરી નવાબ સાથે લગ્ન કરવું. એ હવે અશક્ય હતું. તલવારના પ્રતીક પાછળ રહેલા વિજય સાથે લગ્ન ન થયું હોત તો? તે કદાચ પ્રિયતમને અને પિતાને બચાવવા તે પિતાનું બલિદાન નવાબને આપત. પરંતુ લગ્ન થયા પછી એ વિચારને પણ અવકાશ ન હતો.

બીજી કોઈ રીતે તેમને છોડાવવાનો સંભવ હતો જ નહિ. પદ્માનું હૃદય ગૂંગળાઈ ગયું. ઝરૂખામાંથી નીચે કૂદી પડવાનું તેને મન થયું. તેણે શૂળી તરફ જોયું, પિતા તરફ જોયું, પતિ તરફ જોયું અને સહેજ પાછળ જોયું. નવાબ અહેમદખાન તેની પાછળ–બહુ જ નજીક