પૃષ્ઠ:Pankaj.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪ : પંકજ
 

ચા કરી લાવ અને પછી એને ઈચ્છા હોય તે વખતે જમાડી લે.' નીલમગૌરી બોલ્યાં.

માના પગ ઉપર ધીમે ધીમે હાથ ફેરવ્યા કરતી સુરભિ ઊઠી અંદરના ભાગમાં ગઈ. રશ્મિને લાગ્યું કે સુરભિની આંગળીઓ ઘણી ઘાટીલી છે.

સુરભિના પિતા રામરાય અને રશ્મિના પિતા રણજિતરાય એ બંને મિત્રો હતા. બંનેના માર્ગ જુદા હતા. રામરાયે જમીન જાગીર સાચવી સ્થાનિક પ્રતિષ્ઠા મેળવી સંતોષ મેળવ્યું, પરંતુ સાહસિક રણજિતરાયે ભારે અભિલાષાઓ સેવી હતી. રણજિતરાયે જીવનમાં પ્રવેશ કર્યો ત્યારે તેમની સ્થિતિ અત્યંત ગરીબ હતી. તે વખતે તેમને એવી ઈચ્છા હતી કે દસપંદર હજાર રૂપિયા ભેગા થાય તો બસ; પરંતુ દસ પંદર હજાર ભેગા થતાં બરાબર લાખ રૂપિયા એકઠા કરવાની વૃત્તિ જાગૃતિ થઈ. એ રકમ પણ તેમણે મેળવી, એટલે દસ લાખથી સંતોષ મેળવવાને નમ્ર નિશ્ચય તેમણે કર્યો. એ નિશ્ચય પણ ફળ્યો, એટલે તેમની દૃષ્ટિ એથી પણ વધારે વિશાળ બની.

પરંતુ ધનસંપાદન કરવામાં સુખનો ભારે ભોગ આપવો પડે છે. કોઈ પણ સુખ ભોગવવા માટે એક પ્રકારની માનસિક શાંતિ અને શારીરિક આસાયેશ જરૂરનાં છે. સંપત્તિ મેળવવામાં શરીર અને મન બંનેને દોડતાં રાખવાં પડે છે. ધનિક બનવાની તમન્નામાં પત્નીના સુંદર મુખ સામે જોતાં જોતાં મન આગળ મિલનું ભૂંગળું આવી ઊભું રહે છે, અને બાળકને રમાડતા રમાડતાં દલાલોનું ટોળું દેખાઈ આવે છે.

આવી સ્થિતિમાં રામરાય અને રણજિતરાય પરસ્પરથી વિખૂટા પડી ગયા હતા. શરૂઆતમાં તો બંને એકબીજાને મળ્યા વગર રહેતા નહિ, પરંતુ સમય જતાં રામારાયને લાગ્યું કે તેના મિત્ર તેના વગર