પૃષ્ઠ:Pankaj.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૬ : પંકજ
 

મૂકી કહ્યું.

સૂર્યકાન્ત જરા સ્તબ્ધ બન્યો. પછી એક પ્રેમીને છાજે એવી ઢબે તે બોલ્યો:

'મારું ભલે ખૂન થાય પરંતુ સુલતાને તો તમે બચાવો !'

‘હું બન્નેને બચાવીશ. પરંતુ તમે મારી સૂચના પ્રમાણે ચાલો હું ન ઓળખાય એવા પોલીસનાં માણસો તમારાં રક્ષણ માટે રોકું છું.' કહી અમલદાર ઝડપથી ઊઠ્યા, અને શેઠને ત્યાં ઉતાવળથી ચા પી ગાડીમાં પાછા બેઠા.

સૂર્યકાન્ત અને સુલતાનું ખૂન રતિલાલ નામના શિક્ષકને હાથે થવાનો તાગડો રચાયો હતો એ ચોક્કસ હતું. સૂર્યકાન્તના ખૂનમાં તેના કાકાનો હાથ ચોક્કસ હતો એ પણ સ્પષ્ટ હતું. ખૂનનું કારણ પણ સમજાયું. સારા કુંટુબો–કહેવાતાં સારાં કુટુંબમાં વિધવાવિવાહ માટે હજી ઘણો જ અણગમો હતો. અને પ્રતિષ્ઠા ખાતર ઝનૂની માણસો એમાં ગમે તેનું ખૂન કરી બેસે એ પણ સંભવિત હતું. હવે તજવીજ એક જ કરવાની બાકી રહી; ખૂન અટકાવવું શી રીતે ? અને ખૂનીને સજાએ પહોંચાડવો શી રીતે ?

પોલીસ અમલદાર શાંતિથી બેસવાને સર્જાયલો નથી. પોલીસ સ્ટેશન આવી તેણે વિગતવાર નોંધ લખી લીધી અને એક ગુપ્ત નિવેદન દ્વારા ઉપરીને જણાવ્યું કે તે એક મહત્ત્વના ગુનાને અટકાવવામાં રોકાયો છે.

આટલું કરી તે શાળાના મુખ્ય શિક્ષક પાસે ગયો. ઓછામાં ઓછું શીખવી વધારે શીખવ્યાનો ભ્રમ સેવતા મુખ્ય શિક્ષક હમણાં જ મિત્રને ત્યાંથી પાછા આવી ઘેર બેઠા હતા. વિવેકની ટેવ બાળકોમાં પાડતા શિક્ષકે જાતે જ વિવેકના ચિહ્ન તરીકે માથે ટોપી પહેરી લીધી અને અમલદારની સાથે સહેજ ગભરાટથી વાત શરૂ કરી :