પૃષ્ઠ:Pankaj.pdf/૨૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખૂન : ૨૨૧
 

એ મુખ્ય શિક્ષકના કહેવા પ્રમાણે જ દેખાયા. હોંશીયારીથી ગુનો કરી શકે એવી માનસિક સ્થિરતા પણ તેનામાં હતી. ગભરાટનો અંશ પણ રતિલાલમાં દેખાયો નહિ.

'રતિલાલ, તમને કેમ બોલાવ્યા એ હવે તમે જાણી શક્યા હશો.' અમલદારે કહ્યું.

'હું કાંઈ જ સમજી શક્યો નથી.'

'હવે સમજશો. હું તમને કહું કે તમને એક ગુનાને માટે તો અહીં બોલાવ્યા છે !'

'ગુના માટે ? હું કાંઈ ગુનો કરતો નથી.'

'ગુનો કરવાની તૈયારીમાં છો.'

રતિલાલના મુખ ઉપર એકદમ મૂંઝવણ દેખાઈ. શો જવાબ આપવો તેની એને સમજ ન પડી.

'હું પકડાઉં તો સજા કરજો.' રતિલાલે સહજ ગુસ્સામાં કહ્યું.

'તમે પકડાયા જ છો. હવે તમારાથી નસાય એમ નથી.'

'કેમ ? શા માટે ?'

'તમારા વિરુદ્ધ પૂરતો પુરાવો છે. અજાણ્યા ન થતાં તમારો ગુનો કબૂલ કરી લેશો તો સજા ઓછી થશે.'

'ગુનો કર્યા વગર, ગુનો જાણ્યા વગર ગુનો કબૂલ કરાવવાની ઢબ પોલીસ ખાતામાં હશે એનો આજ મને અનુભવ થયો.'

'તમે બહુ હોશિયાર છો તે હું જાણું છું, તમારું કાવતરું પકડાઈ ગયું છે.'

'શાનું કાવતરું ?'

'ખૂનનું.'

'ખૂન ! હું કરવાનો છું ?' અત્યંત આશ્ચર્ય પામી રતિલાલે કહ્યું.

'એક નહિ, પણ બે.'