પૃષ્ઠ:Pankaj.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લગ્નની ભેટ : ૧૫
 

ચલાવી શકે એમ છે. તેમણે મિત્રને ત્યાં જવું મૂકી દીધું. પરંતુ વ્યાપારની ગડમથલથી કંટાળી જતાં રણજિતરાય વર્ષે બે વર્ષે ચારપાંચ દિવસ રામરાયને ગામ આવી તેમની સાથે ગાળતા. પાછલા ભાગમાં તે પણ ઓછું થઈ ગયું. આબુ, મહાબળેશ્વર, મસૂરી અને કાશ્મીરના પ્રવાસો ગોઠવતા રણજિતરાયના કુટુંબનો રામરાયના કુટુંબ સાથે પરિચય ઘસાઈ ગયા. બંને મિત્રો મિત્ર જ રહ્યા, પરંતુ બંને કુટુંબમાં નિકટતા ન આવી. રશ્મિ અને સુરભિ પરસ્પરને ઓળખતાં નહોતાં.

સુરભિ ચા લઈ આવી. ઉપરના એક ખંડમાં રશ્મિને ઉતારવાની સગવડ કરવા માતાની આજ્ઞા થતાં તે ઉપરનો ઓરડો ઠીક કરી. આવી. રાત્રે ઝડપથી તેણે પોતાને હાથે રસોઈ કરી. અનેક નોકરોને બૂમ મારવા ટેવાયેલો રશ્મિ વિચારમાં પડ્યો કે સુરભિને મુખેથી એક અક્ષર પણ કેમ નીકળતો નથી ? તે મૂંગી તો નહિ હોય? એટલા ઉપર ગાડીવાળાને પૂછેલા પ્રશ્નનું ઝાંખું સ્મરણ રશ્મિને ન હોય તો તે જરૂર માની લેત કે સુરભિની વાચા ઊધડી જ નથી.

'સુરભિ ! હવે રશ્મિને જમાડી લે.' નીલમગૌરીએ કહ્યું.

રશ્મિ જોડે આવેલો નોકર રશ્મિની કાળજી રાખવા મહેનત કરતો હતો એટલું જ નહિ, પણ સુરભિને સહાય આપવા પણ તે મથતો હતો; પરંતુ સુરભિને નોકરની સહાય જરૂર વગરની થઈ પડી. રશ્મિ એટલું તો જોઈ શક્યો કે આ ઘરમાં નોકર રસોઈયા નહોતા. સુરભિને જ માથે એ બોજો પડતો હશે? રશ્મિને અનુકંપા ઊપજી. એ અનુકંપાની સુરભિને જરૂર હતી કે કેમ એ બીજી વાત છે, પરંતુ નોકર અને રસોઈયા કરતાં વધારે સારી વ્યવસ્થા જીર્ણ દેખાતા ઘરમાં તે જોઈ શક્યો.

કોઈ પણ સુંદરીની હાજરીમાં જમવું એ યુવકે માટે વિકટ તપસ્યારૂપ છે. રશ્મિ નીચું જોઈ જમતો હતો; સુરભિ નીચું જોઈ પીરસતી હતી. બહારથી નીલમગૌરી બબ્બે ત્રણત્રણ ક્ષણે કૈંક