પૃષ્ઠ:Pankaj.pdf/૨૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૨ : પંકજ
 


રતિલાલે તાકીતાકીને અમલદાર સામે જોયું. કાં તો રતિલાલ ઘેલો હોય કે અમલદાર ઘેલો હોય ! કોણ ઘેલો છે એ નક્કી કરવા રતિલાલે ખૂબ તાકીને જોયું. તેના મનને થાક લાગ્યો. તેણે ખિસ્સામાં ઝડપથી હાથ નાખ્યો. એકાએક અમલદારે પોતાની પિસ્તોલ રતિલાલ સામે ધરી અને કહ્યું :

'બસ ! જો ધાંધલ કર્યું છે તો વીંધી નાખીશ. હાથ ઊંચા કરો.'

સિનેમા જોઈ પાવરધા બનેલા રતિલાલે બે હાથ ઊંચા કર્યા. એક સિપાઈ ઝડપથી આવી સલામ કરી સાહેબની સામે ઊભો રહ્યો. અમલદારે આજ્ઞા કરી :

'ખિસ્સાં તપાસો.'

ઊંચા હાથ રાખી રહેલા રતિલાલની સામે અમલદારની પિસ્તોલ ઊભી જ હતી. સિપાઈએ રતિલાલનાં ખિસ્સાં તપાસ્યાં. તેમાંથી હાથરૂમાલ, કાગળના કટકા, અને પાંચ આના નીકળી આવ્યા. અમલદારે ખિસ્સામાં રિવોલ્વરની આશા રાખી હતી. રિવોલ્વર ન નીકળી એટલે અમલદારે સહેજ ઝંખવાણા બની કહ્યું :

'તમારી રિવોલ્વર ક્યાં?'

'રિવોલ્વર ? સાહેબ, એક વાત ચોક્કસ છે. કાંતો હું સ્વપ્નમાં છું, અગર આપ સ્વપ્નમાં છો !'

'કોણ સ્વપ્નમાં છે તે જણાઈ આવશે જ.'

એકાએક બીજો સિપાઈ ધસી આવ્યો. અને સલામ ભરી તેણે કહ્યું :

'સાહેબ, નગરશેઠ એકદમ આપને મળવા માગે છે.'

'આવવા દે. બન્ને કાવતરાંબાજ ભેગા થશે.'

ક્ષણવારમાં નગરશેઠ આવ્યા. અંદર દાખલ થતાં બારોબર તેમણે બૂમાબૂમ કરી મૂકી :

'સાહેબ, મરી ગયો. આબરૂના કાંકરા થઈ ગયા.'