પૃષ્ઠ:Pankaj.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬: પંકજ
 

કૈં વાક્યો ફેક્યે જતાં હતાં : 'સુરભિ ! બરાબર પીરસજે...એ શરમાય નહિ... પાટલો મોટો જ મૂક્યો હશે... દૂધમાં ખાંડ નાખવી ભૂલીશ નહિ...રશ્મિ સવારનો ભૂખ્યો હશે...'

તેમનાથી ખાટલો મૂકીને ખસાય એમ નહોતું. રશ્મિ અને સુરભિ બંને યુવાન હતાં; બેમાંથી કોઈ પરણ્યું નહોતું. પરણ્યાં હોય તો પણ આ ઉંમરે યુવકયુવતીને એકલા મૂકવાં ઇચ્છવા યોગ્ય નથી એમ તેઓ જાણતાં હતાં. એટલે બંને યુવાનોને ક્ષણે ક્ષણે ચોંકાવતા શબ્દ તેઓ સંભળાવતાં હતાં. તેમાં કોઈનું અપમાન થાય છે એવો ખ્યાલ કરવા જેટલાં તેઓ આગળ વધેલાં નહોતાં.

છેવટે રશ્મિથી ઊંચે જોયા વગર રહેવાયું નહિ.

'અરે, તમે તો પીરસ્યે જ જાઓ છે ! આ વધારે પડશે.'

રશ્મિનો બોલ સાંભળી સુરભિ ચમકી. તેના હાથમાંથી વાસણ પડી ગયું. ખણખણ થતા અવાજે આખા ઘરમાં વાસણ પડ્યાની જાહેરાત આપી દીધી. સુરભિએ રશ્મિ સામે જોયું અને તે હસી પડી.

'બહેન ! શું થયું ?' નીલમગૌરીનો પ્રશ્ન પાછળ દોડ્યો.

'કાંઈ નહિ, બા !' સુરભિ એક વાક્ય બોલી.

રશ્મિને લાગ્યું કે સુરભિનો કંઠ જીવંત છે એટલું જ નહિ, તે મીઠો પણ છે.'

નોકરે કહ્યું :

'ભાઈ ! હવે જવું નથી ? રાત રહી પાછા વળવાનું હતું તેને બદલે ત્રણ દિવસ થઈ ગયા.'

રશ્મિને લાગ્યું કે નોકરની સૂચના વાસ્તવિક હતી. ઘર આગળ હજી ઘણું કામ પડ્યું હતું. વૈભવ ભોગવતા રશ્મિને અહીં રહેવું કેમ ગમતું હતું ? ઘરનો દેખાવ બહારથી જીર્ણ લાગતો હતો, પરંતુ 'અંદર સ્વચ્છતા અને સફાઈ થોડાં નહોતાં, વળી રશ્મિના ઓરડામાં