પૃષ્ઠ:Pankaj.pdf/૨૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૮ : પંકજ
 

સહકાર આપ્યો. અને આ ગામને હું આદર્શ બનાવી શક્યો.' ફરી મધુકરની દૃષ્ટિ કમળ તરફ વળી. તેની આંખ ફરી ભીની થઈ. તેણે વાત આગળ ચાલુ રાખી :

'પણ એક અસંતોષ રહ્યો. મારી પત્ની કદી ઝબકી નીકળી નહિ. ન તેનાથી ગીત ગવાય, ન તેનાથી સરઘસની આગેવાની લેવાય. મેં તેને જરા પણ દુઃખ નથી દીધું એટલો મારા મનને સંતોષ છે. પરંતુ હું તેનાથી પૂર્ણપણે રીઝ્યો નથી એટલું તે સમજી શકી હતી. ત્રણ વર્ષ ઉપરની આ વાત છે. મારે પરગામ જવું હતું, અઠવાડિયું ત્યાં રહેવું પડે એમ હતું. મારી ગ્રામોદ્ધારની યોજના પ્રમાણે બીજાં ગામોમાં થોડું કાર્ય આરંભવું હતું એટલે મારી હાજરી આવશ્યક હતી. મારી નાની બાળકીને મેં જરા રમાડી અને મારી પત્નીને કહ્યું :

'હું અઠવાડિયું જઈ આવું છું.'

'હા, તબિયત સંભાળજો.' મારી પત્નીએ કહ્યું. તે કદી મારા વિચાર કે યોજનાની વિરુદ્ધ જતી નહિ. તેના અવાજમાં મને કંપ લાગ્યો. મેં તેની સામે જોયું, અને તે હસી. મેં પૂછ્યું :

'તને કાંઈ થાય છે ?'

'ના.'

'તાવ તો નથી લાગતો ને?'

'સહજ હોય તો ય શું ? ઋતુફેર થાય ત્યારે એમ બને પણ ખરું. તમે વગર ચિંતાએ જાઓ.'

'હું ગયો, અને સાત દિવસ રહ્યો. સાતમે દિવસે મને તાર મળ્યો કે મારી પત્નીની માંદગી ગંભીર બની હતી. હું વહેલી તકે પાછો ફર્યો. મને મારી પત્નીનો અણગમો જરા ય ન હતો. પરંતુ તે જ ક્ષણથી મને લાગી આવ્યું કે એ તો મારા જીવનનો એક મુખ્ય વિભાગ બની ગઈ હતી. ચોવીસે કલાકની દિનચર્યામાં મારી પત્નીનું સ્થાન ન હોય એમ હું કલ્પી શક્યો નહિ. મને તો તે ક્ષણે