પૃષ્ઠ:Pankaj.pdf/૨૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૦ : પંકજ
 

રોતાં રોતાં કહ્યું.

'પહેલાં કારકુને લાંચ માગી. મારી પાસે પાઈ ન મળે. હું બહેન પાસે લેવા આવ્યો. એમણે મને રોક્યો ત્યારથી આખું ગામ લાંચ આપતું અટકી ગયું. એ દુ:ખ દેવી વગર કોણ ટાળે ?' વળી કોઈકે મારી પત્નીને સંભારી કહ્યું.

'જ્યાં પુરુષો જ રોતા હતા ત્યાં સ્ત્રીઓનું શું પૂછવું ! કોઈ યુવતી પોતાને મળેલા શિક્ષણને સંભારતી; કોઈ વૃદ્ધા પોતાની નિષ્કાળજીવાળી પુત્રવધૂને સુધારી દીધાની વાત કરતી; તો કોઈ સ્ત્રી પોતાને માર મારતા રાક્ષસ પતિમાંથી દેવ સરખા સ્નેહી પતિને વિક્સાવનાર મારી પત્નીને યાદ કરતી. અને જ્યારે એક બાળકે મારી પત્નીનો ઉલ્લેખ કરી પોતાની માતાને પૂછ્યું કે : "મા, હવે બહેન અમને નહિ રમાડે?” ત્યારે એ બાળકની બહેન બનેલી મારી પત્નીની યાદમાં મારાં નયન પણ અશ્રુથી ઉભરાયાં.'

અશ્રુભર્યા નયને ગામમાં પ્રત્યેક રત્રીપુરુષ મારી પત્નીના ઉપકારનું કાંઈ અને કાંઈ વર્ણન આપતાં ચાલ્યાં ત્યારે મને સંશય થયો કે મારા ગ્રામોદ્ધારની સફળતા મારી બુદ્ધિમાં હતી ? કે મારી પત્નીના હૃદયમાં હતી ?

'શું મેં તેને ઓળખી નહિ? ભાષણ કરતાં સરઘસ કરતાં, સંગીત કરતાં તેણે શું વધારે મહત્ત્વનું કાર્ય કર્યું ન હતું ? ગ્રામજીવનને તેણે યથાર્થ માતૃત્વ સમર્પ્યું હતું એ હું હવે સમજ્યો. એના મૃત્યુથી હું જ નહિ, હું જ નહિ, આખું ગામ રડી રહ્યું.'

'મારા જીવનમાંથી ઉત્સાહ ઓસરી ગયો, પત્નીની ચિતા પાસે આવી હું બેઠો. અને તેમાંથી ભસ્મ લીધી. આ જ તળાવને કિનારે આ જ સ્થળે તેના દેહને દાહ દીધો હતો. મારા હાથમાંથી ભસ્મ થોડી પાણીમાં પડી. પાણીમાં પડતાં બરોબર એક કમળ પાણીમાં વિક્સી આવી મારી સામે જોઈ રહ્યું. મારી પત્નીનું શું એ મુખ ન હતું ? નહિ, નહિ. ક્યાં એ મુખ ? અને ક્યાં એ કમળનું પુષ્પ?'