પૃષ્ઠ:Pankaj.pdf/૨૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પંકજ : ૨૪૧
 


'મારી પત્નીએ કદી ભાષણ આપ્યું ન હતું, પરંતુ ભાષણ કરવાનાં સાધનો તેણે મને કેવાં સરળ કરી આપ્યાં હતાં ? મારાં પુસ્તકો, મારા કાગળો, મારી કલમ એ બધું સુઘટિત રીતે કોણ ગોઠવી રાખતું હતું ? મારી પત્ની.'

'અને કઠોર, કર્કશ ખેંચાઈ ગયેલા અવાજે ભાષણ આપી મગરૂર થનાર મારા સરખા ઘમંડી દેશસેવક કરતાં મીઠા ઝીણા, ઋજુતા ભર્યા કંઠથી અજ્ઞાન સ્ત્રીપુરુષો સાથે સમભાવભરી વાત કરતી મારી પત્ની શું લોકસેવા ઓછી કરતી હતી? ચોરને, વ્યસનીને મારી ગર્જનાએ સુધાર્યો કે મારી પત્નીની મીઠી વાણીએ?'

'મોટી મોટી યોજનાઓ કરી, મોટાં મોટાં સરઘસ કાઢી, અમલદારશાહીને મૂંઝવી હું ઘેર આવતો, ત્યારે મને અસંતોષ રહેતો કે મારી પત્ની મારા કાર્યને સમજી શકતી નથી. જૂની ઢબની સ્ત્રી માફક તે મારું માથું દાબતી મને આરામ આપતી. મારે માટે રસોઈ તૈયાર રાખતી, સ્વચ્છ પથારી પાથરી રાખતી; એ બધું મને ગમતું પણ... પણ એણે એકાદ વ્યાખ્યાન આપ્યું હોત તો મને એથી પણ વધારે ગમત એમ હું માની બેઠો હતો. તેના મૃત્યુએ મને સમજાવ્યું કે તે તો પતિને ખાતર-પતિની પ્રતિષ્ઠા વધ્યા કરે એવી સંભાળ રાખવા ખાતર-પાછળ અને પાછળ રહેતી હતી.

'પણ શું એ ખરેખર પાછળ રહેતી હતી ? હવે મને લાગે છે કે હું જે યોજનાઓ ઘડીને, સરઘસો કાઢીને, અમલદારોને ગભરાવીને કરી શક્યો નહિ તે એણે પાછળ રહીને સિદ્ધ કર્યું. સરઘસ કાઢવા કરતાં બળિયાપીડિત બાળકની સારવાર કરવી એ શું વધારે મહાન કાર્ય નથી ? કાગળ ઉપર યોજનાઓ ઘડવા કરતાં સાસુવહુનાં જીવનઘર્ષણ ઘટાડવાં એ શું ઓછું મુશ્કેલ કાર્ય હતું ? અમલદારોની લાંચ વિરુદ્ધ જેહાદ જગાવવી એના કરતાં એક શ્રમજીવીને નિર્ભય બનાવી લાંચ આપવાની વૃત્તિ નિર્મૂળ કરવી એ શું વધારે આવશ્યક નથી ?'