પૃષ્ઠ:Pankaj.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લગ્નની ભેટ : ૧૭
 

તો થોડો ગૃહશૃંગાર પણ ગોઠવાયો હતો. પિતાના સમયની ચીજો આજ લગી નિરુપયોગી પડી રહેલી તે સાફ કરી સુરભિ છાનીછાની રશ્મિવાળા ઓરડામાં ગોઠવી આવતી. ત્રણ દિવસમાં ભાગ્યે ત્રણ વાર સુરભિને બોલતાં તેણે સાંભળી હશે; તેને અહીંથી જવાનો વિચાર આવતો નહોતો. નોકરે સંભાર્યું એટલે તેણે કહ્યું :

'વાત ખરી છે. પણ કાકીનો આગ્રહ એટલો બધો છે કે મારાથી કશી વાત પણ થઈ નથી.'

'ત્યારે આજે હવે વાત કરી લ્યો.' નોકરે કહ્યું. નોકરો ઘણી વખત સલાહકારની ગરજ સારે છે.

સાંજે નીલમગૌરી પાસે બેસીને રશ્મિએ કહ્યું :

'નીલમકાકી ! હું કાલે સવારે જઈશ.'

'એટલામાં?' નીલમે સૂતે સૂતે પૂછ્યું. સુરભિએ પણ ઊંચું જોયું.

'ત્યાંથી તાર પણ આવ્યો છે અને કામ બાકી છે.'

‘વારુ, ભાઈ ! બીજું તો શું કહું? આમ આવીને મળી ગયો તે મને તો એવું સારું લાગ્યું બાકી આજ સંબધ કોણ તાજો કરે ?'

‘અહીં આવવામાં મારે એક કારણ હતું.'

નીલમગૌરી જરા ચમક્યાં. આજકાલના વંઠેલ છોકરાં પણ જાણે શું યે કારણ બતાવે !

'એમ કે ?' તેમણે એટલેથી જ પતાવ્યું, પરંતુ કારણ પૂછ્યું નહિ. ગૂંચવાતે ગૂંચવાતે રશ્મિએ કહ્યું.

'મારે થોડા રૂપિયા અહીં મૂકી જવાના છે.'

'કોઈ પેઢી ન મળી?' હસીને નીલમગીરીએ પૂછ્યું.

'એમ નહિ; આપને ત્યાં જ આપવાના છે.'

'આ ત્રણ દિવસ રહ્યો તેનું ભાડું આપવા ધારે છે?'

'ના જી, એમ તે હોય !'