પૃષ્ઠ:Pankaj.pdf/૨૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૨ : પંકજ
 


'હું શ્રેષ્ઠ કે મારી પત્ની ? એક ભયંકર વિચાર મારા મનમાં એકાએક ઊઠ્યો :

'શું એણે મારે ખાતર પોતાના જીવનને ઘસી નાખ્યું ન હતું ?

'એ વિચાર હજી મને મૂકતો નથી. મેં મારા ઘમંડમાં મારી પત્નીનો ભોગ આપ્યો. એના સ્નેહને હું પારખી શક્યો નહિ. મારા પાપનો પડઘો પાડતા એ ગામમાં મારાથી શી રીતે રહેવાય ? મારું મન રુંધાઈ ગયું.

'ગામમાંથી હું નાસી ગયો. પત્નીને આપેલો અન્યાય મને અહીં રહેવા દે એમ હતું જ નહિ. છતાં ગામના લોકોની સાથે હું પણ છાનોમાનો એની મૃત્યુતિથિ ઊજવું છું. કોઈ ન જાણે એમ અહીં આવી બેસું છું. આ જ સ્થળ મને મારી પત્નીના મુખની સ્મૃતિ આપે છે તેને સંભારું છું અને રડવું આવે એટલું રડું છું.'

મધુકરની કથની સાંભળી મને દુ:ખ થયું. મધુકરનો આ બધો ઈતિહાસ જાણે મારી નજર આગળ બન્યો હોય એમ મને ભાસ થયો. કેટલીક વારે મેં તેને પૂછ્યું :

'પણ તું સટ્ટા જેવા ધંધામાં કયાંથી પડ્યો ?'

'મને મારી જિંદગી હવે નિરર્થક લાગે છે. મારે તેને વેડફી નાખવી છે. તમારા ધંધામાં એમ બનશે એમ લાગ્યું માટે હું તેમાં પડ્યો.' મધુકરે કહ્યું.

'તું તો ફરી પરણ્યો હોઈશ ને?' શહેરમાં તેને ઘેર દીઠેલી સ્ત્રીનો વિચાર આવતાં મેં પૂછ્યું. મધુકરે મારી સામે તીક્ષ્ણ નજર ફેંકી. પછી સહજ હસીને બોલ્યો :

'એ પ્રશ્ન નિરર્થક છે. પુરુષ ફરી પરણે માટે પાપી છે એમ માનવાની જરૂર નથી. તે ફરી ન પરણે એટલે તે સાધુ છે એમ માનવાને પણ કારણ નથી, સંજોગ માનવીને ઘડે છે,'