પૃષ્ઠ:Pankaj.pdf/૨૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૬ : પંકજ
 


'પણ ધાર કે તું જીવતો રહ્યો તો ?' મેં હજી પણ દલીલ કરી તેને રોકવા મંથન કર્યું.

'તો...તો...યાત્રાએ પાછો આવીશ જ ને ?'

'શાની યાત્રા?'

'પેલા સ્મશાનની–જ્યાં મારી પત્નીની સ્મૃતિ હજી જીવતી છે તે સ્થાનની.'

તેના હાથમાં કમળનું ફૂલ હતું. તેની પાંદડીઓ તોડી તેણે જમીન ઉપર વેરવા માંડી.

'તું બહુ ક્રૂર છે.' મેં કહ્યું.

'કેમ ?'

'આ બિચારા કમળને તું તોડી નાખે છે.'

'સુધાકર, મારી પત્નીનું નામ શું હતું તે તું જાણે છે?'

'ના.'

'એનું નામ પંકજ હતું. મને કમળની ઘેલછા કેમ છે તે તું હવે સમજ્યો.'

મારી દ્રષ્ટિ સમીપ એક સુંદર યુવતીની મૂર્તિ ઊપસી આવી.

ઊંડો ઊતરી ગયો. મને લાગ્યું કે હું મધુકરની પંકજને જ નિહાળું છું. મારાથી કાંઈ બોલાયું નહિ.

'એ નામ મને એટલું પ્રિય થઈ પડ્યું છે કે હું ચોવીસે કલાક કમળનાં પુષ્પ મારી પાસે રાખું છું.' મધુકરે કહ્યું.

'પણ તું તો પાંદડીઓ તોડી નાખે છે !'

'જે મેં મારી પંકજનું કર્યું તે આ નામધારી પંકજનું પણ કરું છું...અને એમ જ આ મારા દેહની પાંદડીઓ તૂટશે એટલે પાછી મને પંકજ મળશે નહિ?'

આવેશ અને ઉગ્રતાથી તે ઍરોપ્લેન તરફ જોઈ રહ્યો.

'હું તને પાછો મૂકી જાઉં.' કહી મારો હાથ ઝાલી તેણે મને મોટરકાર તરફ ઘસડ્યો , અને અમે બન્ને પાછા અમારે સ્થળે ગયા.