પૃષ્ઠ:Pankaj.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦: પંકજ
 

રકમ આપવાનો રણજિતરાયે પ્રયત્ન કર્યો, પરંતુ પતિના અભિપ્રાય જાણતી વિધવાએ પૈસાની ભારે જરૂર છતાં રકમને અસ્વીકાર કર્યો.

છેવટે રણજિતરાયને એ રકમની શી વ્યવસ્થા કરવી તેનો વસિયતનામામાં ઉલ્લેખ કરવો પડ્યો. પિતાના મૃત્યુ પછી એ વસિયતનામાના આધારે રશ્મિને એ વ્યવસ્થા કરવાની હતી. રશ્મિની માતાએ વિવેક ખાતર રશ્મિને જાતે મોકલ્યો.

એ માટે તે નીલમગૌરીનો મહેમાન થયો હતો. તેને આ પૂર્વઇતિહાસની ખબર નહોતી.

'કહે, હવે મારાથી કે સુરભિથી એ રકમ કેમ લેવાય?' નીલમગૌરીએ છેવટે પૂછ્યું.

રશ્મિ ચમક્યો. ગ્રામ્યનિવાસી કુટુંબમાં સૌન્દર્ય તો હતું. પણ આવા ઉચ્ચ સંસ્કાર સુધ્ધાં હતા ! આટલી સુક્ષ્મ પૃથક્કરણશક્તિ દેવાલહેણામાં જે બતાવે એ કુટુંબમાં ભળવું એ પણ એક જાતનું માન હતું. એમ તેને લાગ્યું આખું ગૃહ જીર્ણને બદલે જાજ્વલ્યમાન લાગવા માંડ્યું. એ જાજ્વલ્યમાન ગૃહની છેલ્લી પ્રતિનિધિ સુરભિ એટલા માટે જ આવી જ્વલંત દેખાતી હતી ?'

'પણ કાકી ! એ વીલની કલમ હવે ફરે નહિ,' રશ્મિએ થોડી વારે કહ્યું.

'ત્યારે આપણે એમ કરીએ. આ રકમ મેં લીધી એમ ધાર. માત્ર તારા લગ્નની ભેટ તરીકે તને હું પાછી આપી દઉં છું; બસ?'

રશ્મિ વધારે ચમક્યો.

'પણ મારું લગ્ન ક્યાં થયું છે?'

'આવતે વર્ષે પણ થશે તો ખરું ! તે વખતે ભેટ ખાતે એ રકમ ફેરવી નાખજે.'

'પણ આ લેખમાં તો...તો સુરભિગૌરીનો પણ હક રાખ્યો છે.' રશ્મિએ કહ્યું. સુરભિનું નામ લેતાં ફરી રશ્મિ ગૂંચવાયો.

'સુરભિનું મન સુરભિ જાણે; હું શું કહું ? કેમ સુરભિ ?'