પૃષ્ઠ:Pankaj.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લગ્નની ભેટ: ૨૩
 


'કૃપા કરીને એ વાત બોલશો જ નહિ. અમે શાથી ધનાઢ્ય થયાં તે મને કહેવું પડે એમ નથી. રામરાય ન હોત તો...'

'તમે જાણો. છોકરી તમારી છે; હું તો અપંગ છું...'

પાડોશનાં ગંગાબહેન ત્યાં બેઠેલાં હતાં તેમણે કહ્યું :

'રશ્મિભાઈએ તો ઘરજમાઈ તરીકે રહેવા કબૂલ કર્યું છે.'

રશ્મિની માતા હસી. નીલમગૌરીએ કહ્યું : 'જા જા, તું શું જાણે?'

'ઓટલા ઉપર બે જણ વાત કરતાં હતાં તે મેં બારણાં પાછળથી સાંભળી છે.' ગંગાબહેને કહ્યું.

'એમ તે હોય? સુરભિ કદી વાત કરે નહિ !' નીલમગૌરી પુત્રીના સ્વભાવનો પરિચય આપતાં બોલ્યાં.

'હું ખરું કહું છું. બાને છોડીને ખસાય નહિ એવું સુરભિએ કહ્યું એટલે રશ્મિકાંતે અહીં આવી રહેવા જણાવ્યું.' ગંગાબહેને જ સાક્ષી પૂરી.

સુરભિના હાથમાંથી પાછું કઈ વાસણું પડી ગયું. આખું ઘર એ ખણખણાટથી ગાજી ઊઠ્યું. પરંતુ નીલમગૌરીએ શું થયું એવી બૂમ પાડી નહિ – તેમનાથી બૂમ પડાય એમ હતું જ નહિ. તેમની આંખમાં હર્ષનાં આંસુ ઊભરાતાં હતાં.