પૃષ્ઠ:Pankaj.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પુનર્મિલન : ૨૯
 

એ ભાભી સારી રીતે જાણતી હતી.

પંદર વર્ષે આજ બોલાવવાનું ક્યાંથી સૂઝયું ?' રમાએ પ્રશ્ન કર્યો.

'આ તાર આવ્યો છે, વાંચો.' ભાભીએ કહ્યું. તાર સારી રીતે વાંચી શકાય એટલું અંગ્રેજી રમા ભણી હતી. તાર વાંચતાં વાંચતાં રમાનું મુખ ગંભીર બની ગયું. તારમાં લખ્યું હતું કે,

'રમાબહેનને પ્રથમ મળતી ગાડીએ મોકલો. વિનોદરાય
ગંભીર માંદગીમાં છે. સારવાર વગર બચશે નહિ.

ડૉકટર.'

રમાએ ત્રણ વાર તાર વાંચ્યો. તેના મુખ ઉપર અનેક પ્રકારના ભાવ અંકિત થયા; તેના મુખ ઉપર મૂંઝવણ દેખાઈ.

'ભાભી ! શું કરું ?' છેવટે રમાએ પૂછયું.

'જવું જોઈએ. તૈયારી કરો.'

'હું ત્યાં જઈને શું કરીશ? મને તે ઓળખશે પણ નહિ.'

'એ ન ચાલે. કહો તો હું સાથે આવું.'

'તમને લઈ જઈ શું કરીશ? સહેજ માંદગી તો તમારાથી જોવાતી નથી.'

'તમારા ભાઈને લઈને જાઓ.'

'એને આજ ને આજ રજા કોણ આપે ?'

'ત્યારે હવે ?'

'હું જાઉં, પણ પગ પાછા પડે છે.'

'ગમે તેમ હોય તો ય હવે ન જ ચાલે. વગર બોલાવ્યે તો જતાં નથી ?'

'મને તો ડૉક્ટર બેલાવે છે.'

'આ વખતે ન જવાય તો કાળી ટીલી લાગે.'

'કાળી ટીલી બાકી રહે છે?'

રમા અને તેની ભાભી વચ્ચે લાંબી ચર્ચાને અંતે નક્કી ઠર્યું