પૃષ્ઠ:Pankaj.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨ : પંકજ
 

રમા ખાટલા પાસે ગઈ અને યંત્રવત ખાટલા ઉપર જ બેસી ગઈ. ખાટલા ઉપર બેસતાં તેને ખૂબ અતડું અને અજાણ્યું લાગ્યું, પરંતુ હવે એ ક્રમ વગર છૂટકો જ નહોતો.

'બરફ આખી રાત માથે મૂકવો પડશે.' ડૉક્ટરે સલાહ આપી અને તે ઉપરાંત પણ ઘણી સુચનાઓ આપી.

એક કે બે માણસ કરતાં વધારે પાસે ન રાખશો. પેલા વિદ્યાર્થીઓને તે અંદર આવવા જ ન દેશો. ડોકટરને ખબર નહોતી કે વિદ્યાર્થીઓને વિનોદરાય કેટલા વહાલા હતા. ડૉક્ટર અને શિક્ષક ચાલ્યા ગયા. ધરમાં આવતા ચાર વિદ્યાર્થીઓ અને રસોઈયો એટલાં જ ઘરમાં રહ્યા. રસોઈયાએ રમાને જમવાનો આગ્રહ કર્યો. તેના પરિપક્વ થયેલા હૃદયમાં પણ અત્યારે તોફાન મચ્યું હતું હૃદયનાં તોફાનમાં સુધાતૃષા અદૃશ્ય થઈ જાય છે.

રસોઈયાએ બેઠેબેઠે ઊંઘવા માંડ્યું. રમાએ તેને સૂવાની આજ્ઞા આપી. રસોઈયાને માથેથી ભારણ હવે ઊતરી ગયું હતું. તેણે ગૃહિણીની આજ્ઞા માની.

પરંતુ વિદ્યાથીઓ એમ ઝડપથી ગૃહિણીની આજ્ઞા માને એવા ન હતા. તેમણે આખી રાત ગુરુની શુશ્રષામાં ગાળવાનો નિશ્ચય કર્યો હતો. મધરાત થઈ તો ય વિદ્યાર્થીઓ સૂતા નહિ. પાછલી રાત થઈ તો ય વિદ્યાથીઓ એવાને એવા જાગૃત હતા. છેવટે રમાએ તેમને કહ્યું :

'હવે તમે સૂઈ જાઓ. આવો સતત ઉજાગર કરશો તો મારે તમને અહીં આવવાની ના પાડવી પડશે.'

'પણ અમને ઊંઘ આવતી નથી.'

'તો ય હવે સૂઈ જાઓ.'

'તમે થાકેલાં છો. તમે સુઈ જાઓ તો કેવું ?'

'મને થાક લાગશે એટલે હું તમને જગાડીશ, મારું એટલું કહેવું માનો.'