પૃષ્ઠ:Pankaj.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પુનર્મિલન : ૩૩
 


વિદ્યાર્થીઓ વિનવણીને તાબે થયા અને આગલા ખંડમાં જઈ સૂતા. રમા એકલી પડી. માંદાની સારવાર કરવા તે ટેવાઈ ગઈ હતી. પતિએ ત્યજેલી પત્નીને ઘણી બાબતોમાં કૌશલ્ય મેળવવું પડે છે.

એકલી પડેલી રમાએ વ્યાધિગ્રસ્ત વિનોદરાયના દેહ તરફ હવે સ્વતંત્રતાથી દૃષ્ટિ ફેરવી. બહુ બદલાયા નથી. તેને વિચાર આવ્યો. પંદર વર્ષે દીઠેલા પતિના મુખને તે નિહાળી રહી. મુખ ઉપર વ્યાધિની બેચેની અને અભાન ફેલાઈ રહ્યાં હતાં.

'કેવી દયાપાત્ર અવસ્થા ?' રમાના હૃદયમાં લોકલાજ ઉપરાંત દયાએ ક્યારનો યે છુપો પ્રવેશ કર્યો હતો તે હવે સ્પષ્ટ પ્રગટ થયો. તેણે વિનોદરાયના નિચેષ્ટ પડેલા હાથ ઉપર બીતે બીતે, ચારે પાસ જોઈને, પોતાનો હાથ મૂક્યો.

'બાપ રે ! કેટલો તાવ છે !' એકાએક રમા ભયભીત બની ગઈ. શા માટે તેણે ભયભીત બનવું જોઈએ? માંદા માણસ પ્રત્યે સહુને દયા આવે એ ખરું; પરંતુ વરની અતિશયતા અતિનિકટ સબંધીને જ ભય પમાડે છે. શું રમા વિનોદરાયની નિકટની સંબંધી હતી? તે તેમની પત્ની હતી... પણ ... પણ શું તેણે કદી નિકટતા અનુભવી હતી ? શા માટે અત્યારે તેનું હૃદય જ્વર દેખી ભય પામ્યું?

'હું ન આવી તો આ વિદ્યાર્થીઓથી કેમ સારવાર થાત ?' રમાને પોતાનું આગમન છેક નિરર્થક ન લાગ્યું.

‘પણ આ પહેલાં આમ તાવ કદી નહિ આવ્યો હોય એમ શી રીતે મનાય ? બિચારા !' પતિનો વિચાર આવતાં જે માનિનીનું હૃદય વધારે કઠણ બનતું તે માનિનીનું હૃદય પતિના એકલવાયાપણા ઉપર અત્યારે પીગળી જતું હતું.

'તેવે વખતે મને બોલાવી હોત તો ?'