પૃષ્ઠ:Pankaj.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪ : પંકજ
 


પતિને બારણે પગ પણ ન મૂકવો, એવો નિશ્ચય કરી ચૂકેલી પત્ની શા માટે ભૂતકાળની ગયેલી તકને સંભારતી હશે ? તેને બોલાવી હોત તો તે આવત ખરી ? તેને હૃદયની મૃદુતાના અનેક પ્રસંગો યાદ આવ્યા. પતિએ સહજ ઈશારો કર્યો હોત તો તે પાછી દોડતી આવત એવી પણ માનસિક સ્થિતિ તેણે અનુભવી હતી. એટલું જ નહિ, પોતાને બોલાવવાની વિનંતિ કરતો પત્ર તેણે પતિ ઉપર એક વખત લખી પણ રાખ્યો હતો. કેટલા દિવસ સુધી એ પત્રને રાખી મૂકી છેવટે તેણે તે પત્ર ફાડી નાખ્યો હતો.

તેણે વિસારે પાડેલો ભૂતકાળ આજ પતિની સારવાર કરતાં આખો યે તેની પાછળ ઊઘડી ગયો. કેટલી હોંશથી વિનોદરાય સાથે લગ્ન કર્યા હતાં ? કેટકેટલા કોડ તેણે લગ્ન પછી સેવ્યા હતા? ઊંચી કેળવણી પામેલો યુવક વિનોદરાય અને સંસ્કારી, છટાભરી યુવતી રમાનાં લગ્ન એ બધાંએ આદર્શ લગ્ન તરીકે વધાવી લીધાં હતાં. અને પરિણામમાં પંદર વર્ષનો વિયોગ ! બંનેએ તે સ્વેચ્છાએ સ્વીકારી લીધો ! એ વિયોગનો ગાળો એટલો હૃદયના સ્નેહઝરાનો કઠોર સૂકા રણમાં પ્રવેશ ! સ્નેહઝરો અદૃશ્ય થઈ ગયો હતો.

પરંતુ લોક્લાજે, ન છૂટકે ડૉક્ટરની આજ્ઞાને અનુસરી યંત્ર માફક ખેંચાઈ આવેલી રમાને લાગ્યું કે અદૃશ્ય સ્નેહઝરો શુષ્ક બેદરકારીના રણની રેતીને ભીની તો બનાવતો ન હતો ?

પ્રભાત થયું. ચીં ચીં કરી ઊડતી ચકલીને તેણે ઓરડાની બહાર કાઢી વિનોદરાયના મુખ ઉપર અજવાળું ન આવે એવી રીતે તેણે બારીઓનાં બારણાં બંધ કર્યા. છતાં આછા અજવાળામાં તે જોઈ શકી કે વિનોદરાયના ખાટલાની સામે ગોઠવેલા એક મેજ ઉપર કોઈ સ્ત્રીની છબી મૂકેલી હતી. વિનોદરાય જાગૃત થાય તો પ્રથમ જ તે છબી ઉપર નજરે પડે એવી ગોઠવણ હતી.

પંદર વર્ષથી પતિનો સંબંધ ટાળનારી રમાને હૃદય ઉપર ઘા વાગ્યા સરખી લાગણી થઈ આવી. વિનોદરાય સંબંધી કંઈક વાતો