પૃષ્ઠ:Pankaj.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮ : પંકજ
 

ખાટલામાં તકિયે અઢેલી બેસી શકતા, બધાંની સાથે વાતો કરી શકતા, પરંતુ તેમની અને રમાની વચ્ચે ઓછામાં ઓછી વાત થતી.

'દવા પીશો?' રમા પૂછતી.

'હા.' વિનોદરાયનો જવાબ મળતો.

'ચા લાવું?' રમાનો પ્રશ્ન થતો.

'હા.' વિનરાયનો એકાક્ષરી જવાબ મળતો.

'શું જમશો?' રમા પૂછતી.

'ડૉક્ટરે કહ્યું હોય તે.' વિનોદરાય કહેતા.

'ડોકટરે બધું જમવાની રજા આપી છે.'

'તો રવિશંકર જે ફાવે તે કરે.'

'તમારી રસોઈ રવિશંકરને કરવાની નથી.'

‘ત્યારે ?'

'હું બનાવું છું.'

વિનોદરાયે નીચું જોઈ કહ્યું :

'તું જે બનાવીશ તે ફાવશે.'

આવી જરૂર સિવાયની બીજી કશી જ વાત થતી નહોતી. માત્ર પરસ્પરની આંખ ચૂકવીને બંને જણ એકબીજાનું મુખ જોઈ લેતાં. એમ કરતાં બંનેની દૃષ્ટિ ક્ષણભર મળી જાય તો આંખમાંથી ઊંડુ દુઃખ વરસી રહેતું. પશ્ચાત્તાપના પડછાયા પડતા, અને વાણીમાં ન ઊતરી શકતા ભાવ પ્રદર્શિત થઈ જતા. વાણી ઘણું યે મથતી છતાં તેની ભાવપ્રદર્શનની શક્તિ તદ્દન ઘટી ગઈ હતી. બન્નેને ઘણું ય બોલવાનું હતું અને સમજતાં પણ હતાં કે ઘણું ઘણું બેલવાનું રહે છે. પંદર વર્ષના સ્વેચ્છાએ સેવેલા વિયોગના અણધાર્યા અંતે શું શું બોલવાનું ન હોય?

ખાટલા પાસેની આરામ ખુરશી ઉપર સવારનું છાપું વાંચતા વિનોદરાય વધતી જતી તન્દુરસ્તીની સ્કૂર્તિ અનુભવતા હતા. દૂર એક ખૂણા ભણી બેસી રમા વાળ ઓળતી હતી. તેને ખબર ન